HIV/AIDSના કેસમાં મેઘાલય દેશમાં છઠ્ઠા નંબર પર છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં આ બીમારીનો ખતરો સૌથી વધુ છે.

મેઘાલય, શુક્રવાર
મેઘાલય સરકાર રાજ્યમાં HIV/AIDSના વધતા કેસોને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી પગલું ભરવાનું વિચારી રહી છે. ટૂંક સમયમાં જ એક નવો કાયદો લાવવામાં આવી શકે છે, જે અંતર્ગત લગ્ન પહેલાં HIV/AIDS ટેસ્ટ કરાવવો ફરજિયાત બનશે. રાજ્યના આરોગ્ય મંત્રી અમ્પારીન લિંગદોહે શુક્રવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં HIV/AIDSના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે આ પગલું ભરવા પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, HIV/AIDSના કેસમાં મેઘાલય દેશમાં છઠ્ઠા નંબર પર છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં આ બીમારીનો ખતરો સૌથી વધુ છે.
HIV/AIDS નીતિ પર ઉચ્ચ-સ્તરીય બેઠક
આરોગ્ય મંત્રી અમ્પારીન લિંગદોહે HIV/AIDS ટેસ્ટ ફરજિયાત કરવાના મુદ્દે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જો ગોવામાં આ ટેસ્ટ ફરજિયાત થઈ શકે છે, તો મેઘાલયમાં પણ આવો કાયદો શા માટે ન હોઈ શકે? તેનાથી સમગ્ર સમાજને ફાયદો થશે.”
તેમણે માહિતી આપી કે, નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટોન ટાઇનસોંગની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સમાજ કલ્યાણ મંત્રી પોલ લિંગડોહ અને પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના આઠ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં HIV/AIDS અંગેની નીતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગને આ સંદર્ભમાં કેબિનેટ નોટ તૈયાર કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગારો હિલ્સ અને જૈંતિયા હિલ્સ વિસ્તારોમાં પણ વિસ્તારવાર રણનીતિ તૈયાર કરવા માટે આવી જ બેઠકો યોજાશે.
જૈંતિયા હિલ્સમાં સૌથી વધુ HIV/AIDS કેસ – સારવારનો અભાવ ચિંતાનો વિષય
આરોગ્ય મંત્રી અમ્પારીન લિંગદોહે HIV/AIDSના કેસ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, “માત્ર ઈસ્ટ ખાસી હિલ્સમાં જ HIV/AIDSના 3432 કેસ સામે આવ્યા છે, જેમાંથી માત્ર 1581 દર્દીઓ જ સારવાર કરાવી રહ્યા છે.” વધુ ચિંતાજનક બાબત એ છે કે જૈંતિયા હિલ્સમાં HIV/AIDSના સૌથી વધુ કેસ નોંધાયા છે.
તેમણે સ્વીકાર્યું કે, “વર્તમાન સમયમાં જાગૃતિનો અભાવ નથી, પરંતુ પરીક્ષણ અને સ્ક્રીનીંગમાં સુધારો કરવો એ એક મોટો ચેલેન્જ છે.”
એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (ART) નો અભાવ અને જીવલેણ પરિણામ
આ રોગના મુખ્ય કારણો અને સારવાર અંગે વાત કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, “ઈસ્ટ ખાસી હિલ્સમાં 159 લોકો મૃત્યુ પામ્યા કારણ કે તેઓ એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (ART) સારવારથી વંચિત હતા.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો HIV/AIDS જીવલેણ નથી. તે કેન્સર અથવા TB જેવો જ સાધ્ય રોગ છે.”
મેઘાલયમાં આ રોગનું મુખ્ય કારણ જાતીય સંબંધો છે. જોકે, હવે ઇન્જેક્શન ડ્રગના ઉપયોગના કેસ પ્રમાણમાં ઓછા જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવામાં પણ HIV/AIDSના વધુ કેસ સામે આવતા ત્યાં પણ ટેસ્ટને લઈને નિયમ બનાવવામાં આવ્યો છે. મેઘાલય સરકારનો આ નિર્ણય રાજ્યના સ્વાસ્થ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.











