આ મામલે ચીફ જસ્ટિસે ફરીથી વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવવા અંગે ભારપૂર્વક ટકોર કરી હતી. આ ઉપરાંત, પ્રમોશનલ પોસ્ટ અંગેનો નિર્ણય પોલીસ બોર્ડ દ્વારા જ લેવામાં આવે તેવો આગ્રહ પણ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ, શુક્રવાર
ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે 25 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે PSI-પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઓક્ટોબરથી નવેમ્બર મહિના સુધીમાં જાહેર કરવામાં આવશે.
હાઈકોર્ટની સરકારને ટકોર
હાઈકોર્ટે સરકારને ફરી એકવાર વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરવા અંગે ટકોર કરી હતી. કોર્ટે સૂચવ્યું હતું કે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરવાથી ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને ઉમેદવારોની સંખ્યા વ્યવસ્થિત રીતે મેનેજ કરી શકાશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જાન્યુઆરીથી જૂન સુધી પ્રમોશનલ પોસ્ટ અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી સીધી ભરતી માટેનું કેલેન્ડર તૈયાર થઈ શકે છે. આ ઉપરાંત, હાઈકોર્ટે ખાસ કરીને PSIની ચાલી રહેલી ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં જાહેર કરવા પર ભાર મૂક્યો હતો.
સરકારનો પક્ષ
આ મામલે સરકારે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે 7725 ખાલી જગ્યાઓ પૈકી 6589 પ્રમોશનલ પોસ્ટ પર એક વર્ષમાં ભરતી પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં 1136 જગ્યાઓ ખાલી છે. સરકારે વધુમાં જણાવ્યું કે 26 જૂને 3300થી વધુ મોડ 2 PSI માટે જાહેરાત પણ આપવામાં આવી છે, જેની ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે.
ચીફ જસ્ટિસની સૂચના અને આગામી સુનાવણી
આ મામલે ચીફ જસ્ટિસે ફરીથી વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવવા અંગે ભારપૂર્વક ટકોર કરી હતી. આ ઉપરાંત, પ્રમોશનલ પોસ્ટ અંગેનો નિર્ણય પોલીસ બોર્ડ દ્વારા જ લેવામાં આવે તેવો આગ્રહ પણ કરવામાં આવ્યો હતો. આ કેસની વધુ સુનાવણી 10 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.











