ડો. રવિએ જિલ્લા તંત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રી-સર્વેની કામગીરી, મહેસૂલી ઠરાવો અને પરિપત્રોની સમીક્ષા કરીને વિષયવાર એક સંકલિત ઠરાવ બનાવવાની તથા મેન્યુઅલ તૈયાર કરવાની કામગીરી કરવા સૂચન કર્યું.

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા આજે ગાંધીનગર ખાતે રાજ્યના કલેક્ટરોની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં અનેક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી મહેસૂલી પ્રશ્નો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ કોન્ફરન્સમાં, ખાસ કરીને બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં થતા ગેરકાયદેસર માઇનિંગ ને અટકાવવા માટે કડક પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે.
મહેસૂલી કામગીરીની સમીક્ષા અને ભવિષ્યનો રોડમેપ
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ કુદરતી આપત્તિ સમયે મહેસૂલી અધિકારીઓની ઝડપી કામગીરીને બિરદાવી હતી. તેમણે મહેસૂલી તંત્રને સુચારુ સંકલન સાથે પ્રજાકીય પ્રશ્નો અને સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવી, કેસોનો ઝડપી નિકાલ કરવા સૂચના આપી હતી.
હાઈકોર્ટમાં પડતર મહેસૂલ વિભાગ અને ખાતાના વડાની કચેરીઓના કેસો, જેમાં કલેક્ટર કચેરીઓમાં પડતર 29,000 થી વધુ કેસોનો સમાવેશ થાય છે, તેવા કુલ 37,000 જેટલા કેસોનો જિલ્લાવાર રિવ્યુ કરીને ઝડપી નિકાલ માટે એક્શન પ્લાન બનાવવાની સૂચના અપાઈ. આ ઉપરાંત, હાઈકોર્ટના સિનિયર લો ઓફિસર્સ અને જિલ્લાઓના કાયદા અધિકારીઓ સાથે બેઠક યોજીને આ અંગેનો વિસ્તૃત રોડ મેપ બનાવવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો.
ટેક્નોલોજીનો ઉપયોગ અને તાલીમ પર ભાર
ડો. રવિએ જિલ્લા તંત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રી-સર્વેની કામગીરી, મહેસૂલી ઠરાવો અને પરિપત્રોની સમીક્ષા કરીને વિષયવાર એક સંકલિત ઠરાવ બનાવવાની તથા મેન્યુઅલ તૈયાર કરવાની કામગીરી કરવા સૂચન કર્યું. સંપાદનના પ્રશ્નો માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાની કામગીરી, iORAમાં દફ્તરે થતી અરજીઓ અને RTLOC અંગેની કામગીરી કરવા પણ તેમણે જણાવ્યું.
મહેસૂલી તાલીમ સંસ્થા DISRA ને સુદ્રઢ કરીને મહેસૂલી કર્મીઓને સતત તાલીમ આપવા અને ઈ-ધરાનું ઓડિટ જેવી કામગીરીનો પણ કોન્ફરન્સમાં રિવ્યુ કરવામાં આવ્યો. પી.એમ. પોષણ યોજના હેઠળના સેન્ટ્રલાઇઝડ કિચન માટે જમીન ફાળવણી, રેડ ક્રોસ માટે જમીન ફાળવણી વગેરેની પણ સમીક્ષા કરીને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી.
ડો. જયંતિ રવિએ ભારપૂર્વક જણાવ્યું કે, ઈ-ગવર્નન્સના માધ્યમથી જિલ્લાકક્ષાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે, પ્રજાલક્ષી નિર્ણયોની સરળતાથી અમલવારી થઈ શકે અને મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા આવે. નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાના કેસો, શરતભંગના કેસો, એરિયા ડેવલપમેન્ટ અને SEZ જેવી ઓથોરિટી બાબતે સ્પષ્ટતા કરીને કલેક્ટરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.











