આ દુર્ઘટનામાં ઘણા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં મોટાભાગના બાળકો બેભાન અવસ્થામાં છે અને તેમને તાત્કાલિક ઝાલાવાડની જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

રાજસ્થાન, શુક્રવાર
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આવેલી પીપલોદી સરકારી શાળામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સતત વરસાદને કારણે શાળાની છત ધરાશાયી થતાં 7 નિર્દોષ બાળકોના કરુણ મોત થયા છે, જ્યારે 10થી વધુ બાળકો ઘાયલ થયા છે. આ ઘટના મનોહરથાના બ્લોકમાં બની હતી અને તેણે સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જર્જરિત ઇમારતોની યાદીમાં ન હોવા છતાં અકસ્માત
આ દુર્ઘટનાનો સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે કલેક્ટરે જણાવ્યું કે આ શાળા જર્જરિત ઇમારતોની યાદીમાં ન હતી. શિક્ષણ વિભાગે તાજેતરમાં જ નિર્દેશ આપ્યો હતો કે જર્જરિત શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ન બોલાવાય, પરંતુ પીપલોદી શાળા આ યાદીમાં ન હોવાથી બાળકોને રજા પણ આપવામાં આવી ન હતી.
છત પડતા પહેલા બાળકોએ કરી હતી જાણ
દુર્ઘટના પહેલા બાળકોએ અનુભવ્યું હતું કે છતમાંથી સિમેન્ટ અને કાંકરા ખરી રહ્યા હતા. બાળકોએ આ અંગે બહાર ઉભેલા શિક્ષકોને જાણ પણ કરી હતી, પરંતુ કમનસીબે તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે બધા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હતા, અને શિક્ષકો ક્લાસની બહાર હતા. આ બાબત અનેક સવાલો ઉભા કરે છે અને શિક્ષકોની બેદરકારી તરફ ઈશારો કરે છે.
5 શિક્ષકો સસ્પેન્ડ, તપાસના આદેશ
આ અત્યંત સંવેદનશીલ કેસમાં શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા શાળાના મુખ્ય શિક્ષક મીના ગર્ગ સહિત શિક્ષકો જાવેદ અહેમદ, રામવિલાસ લવવંશી, કન્હૈયાલાલ સુમન, અને બદ્રીલાલ લોઢાને સસ્પેન્ડ કર્યા છે.
હોસ્પિટલ બહાર વાલીઓની ભીડ, માહોલ ગમગીન
આ દુર્ઘટનામાં ઘણા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં મોટાભાગના બાળકો બેભાન અવસ્થામાં છે અને તેમને તાત્કાલિક ઝાલાવાડની જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. હોસ્પિટલની બહાર વાલીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, અને ઘણા માતા-પિતા પોતાના બાળકોને લઈને રડતા જોવા મળ્યા હતા, જે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જી રહ્યા હતા.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ દુર્ઘટના પર ગહન દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ઝાલાવાડના પીપલોદીમાં શાળાની છત ધરાશાયી થવાથી થયેલો દર્દનાક અકસ્માત અત્યંત દુઃખદ છે. તેમણે ઈજાગ્રસ્ત બાળકોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.











