લાલચ ભારે પડી: ડસ્ટ ગોલ્ડમાં કમિશનની લાલચમાં ગાંધીનગરના ઉદ્યોગપતિએ ગુમાવ્યા 46 લાખ

જ્યારે મહેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કર્યો અને ગુનો નોંધાવ્યો.

ગાંધીનગર, શનિવાર
સેક્ટર 26 જીઆઈડીસીમાં ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય કરતા એક કંપની માલિકે ડસ્ટ ગોલ્ડ ખરીદીમાં કમિશન મેળવવાની લાલચમાં 46,38,935 ગુમાવ્યા છે. આ છેતરપિંડીનો ભોગ બન્યા બાદ તેમણે સાયબર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના વતની અને હાલ કે-132, ગ્રીનસિટી, સેક્ટર 26 ખાતે રહેતા મહેશભાઈ રામજીભાઈ રાઠોડને ગત ફેબ્રુઆરી મહિનામાં ટેલિગ્રામ પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં મોકલનારે પોતાને યુકેની ‘કેલીક્સ સિરામિક કંપની’ના પર્ચેઝ મેનેજર ક્લારા ડોનાલ્ડ તરીકે ઓળખાવી હતી.

ક્લારા ડોનાલ્ડ સાથેની વાતચીત દરમિયાન તેણે મહેશભાઈને મોરક્કોથી ડસ્ટ ગોલ્ડ આયાત કરીને તેમાં કમિશન કમાવવાની લાલચ આપી હતી. ક્લારાએ જણાવ્યું કે તેમની કંપની 1 કિલો ડસ્ટ ગોલ્ડ 39,000 ડોલરના ભાવે 200 કિલો ખરીદવાની ક્ષમતા ધરાવે છે અને આ સોદામાં મળતો નફો 50% મહેશભાઈને મળશે.

ગત 14 ફેબ્રુઆરી 2025ના રોજ ક્લારા ડોનાલ્ડે મહેશભાઈને જણાવ્યું કે તે 26 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને ભારત આવી છે. જોકે બીજા જ દિવસે મહેશભાઈને સોનમકુમારી નામની એક મહિલાનો ફોન આવ્યો, જેણે પોતાને કસ્ટમ વિભાગ ભારત સરકારના અધિકારી તરીકે ઓળખાવી. સોનમકુમારીએ જણાવ્યું કે ક્લારા ડોનાલ્ડ સામે ગુનો દાખલ થયો છે અને કસ્ટમ ક્લિયરન્સ માટે મહેશભાઈએ આવવું પડશે.

આ પછી સોનમકુમારીએ કસ્ટમ ક્લિયરન્સ અને દંડના નામે મહેશભાઈ પાસેથી પહેલા 60,000 પછી 20,000 અને ત્યારબાદ અલગ-અલગ રકમ એમ કુલ 46,38,935 જમા કરાવી લીધા. જ્યારે મહેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કર્યો અને ગુનો નોંધાવ્યો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!