આ અકસ્માત ટ્રક ચાલકે આગળ જતા કોઈ વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં પૂર ઝડપે અચાનક રોડની જમણી બાજુ વાહન દબાવતા સર્જાયો હતો.

દહેગામ, શનિવાર
ગઈકાલે સાંજે દહેગામના ઝાંક પેટ્રોલ પંપ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મોનાર્ક યુનિવર્સિટીમાં BAMSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 24 વર્ષીય વિદ્યાર્થી પંકજ સોલંકીનું કરુણ અવસાન થયું છે. આ ઘટનામાં તેનો મિત્ર પણ ઘાયલ થયો છે, જ્યારે અકસ્માત સર્જી કન્ટેનર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકાના કરિયાણા ગામના વતની પંકજ સોલંકી વહેલાલ ગામ ખાતે આવેલી મોનાર્ક યુનિવર્સિટીમાં BAMSના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. છેલ્લા એક મહિનાથી તે વહેલાલ ગામમાં જૈમિન પટેલના મકાનમાં રહીને અભ્યાસ કરતો હતો.
ગઈકાલે સાંજે આશરે 4:15 વાગ્યે, પંકજ અને તેનો મિત્ર ઓમ, તેમના મિત્ર ધ્રુવિલ સેંગરનું એક્ટિવા લઈને ઝાંક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા નીકળ્યા હતા. એક્ટિવા પંકજ ચલાવી રહ્યો હતો. પેટ્રોલ પંપ નજીક પહોંચતા, તેમની આગળ ચાલી રહેલા કન્ટેનર ટ્રકના ચાલકે અચાનક ટ્રકને રોડની જમણી બાજુ દબાવતા એક્ટિવા સાથે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પંકજ અને ઓમ બંને એક્ટિવા સાથે નીચે પટકાયા હતા.
અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન પૂર ઝડપે હંકારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને રોડની એક તરફ ખસેડ્યા હતા. ઓમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. દરમિયાન ટ્રક ચાલક પોતાનું વાહન થોડે દૂર મૂકીને ત્યાંથી પણ નાસી છૂટ્યો હતો.
ગંભીર રીતે ઘાયલ પંકજને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પંકજના માથા અને મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમજ તેની છાતી અને પેટ પર છોલાયેલાના નિશાન પણ જોવા મળ્યા હતા.
નિવેદન અનુસાર આ અકસ્માત ટ્રક ચાલકે આગળ જતા કોઈ વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં પૂર ઝડપે અચાનક રોડની જમણી બાજુ વાહન દબાવતા સર્જાયો હતો. આ ઘટના અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










