પ્રથમ ફરિયાદ ભાજપના મહિલા કોર્પોરેટર નિલોફરબાનું પઠાણના પતિ ફિરોઝખાન પઠાણે નોંધાવી હતી. તેમણે દહેગામ પાલિકામાં વિપક્ષના કોંગ્રેસી નેતા હબીબભાઈ શેખ સહિત કુલ 8 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દહેગામ, શનિવાર
દહેગામ શહેરમાં જૂની અદાવતને કારણે બે જૂથ વચ્ચે થયેલા ઉગ્ર ઝઘડામાં નવો વળાંક આવ્યો છે. લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે થયેલા આ હિંસક અથડામણમાં દહેગામ નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર અને કોંગ્રેસના વિપક્ષના નેતાના ભત્રીજા સહિત ત્રણેક વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. આ મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બુધવારે લવાડીયાફળી વિસ્તારમાં એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે અમદાવાદ અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રથમ ફરિયાદ ભાજપના મહિલા કોર્પોરેટર નિલોફરબાનું પઠાણના પતિ ફિરોઝખાન પઠાણે નોંધાવી હતી. તેમણે દહેગામ પાલિકામાં વિપક્ષના કોંગ્રેસી નેતા હબીબભાઈ શેખ સહિત કુલ 8 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જોકે, આ મામલે સામા પક્ષે પણ વળતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિપક્ષના નેતાના ભત્રીજા ફારુકમિયા રસીદમિયા શેખે ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ ફિરોઝખાન અકબરખાન પઠાણ અને તેમના બે પુત્રો સુફિયાનખાન પઠાણ તેમજ જયાનખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફારુકમિયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ફિરોઝખાન, સુફિયાનખાન અને જયાનખાને ધારિયા લઈને ઉભા રહી અશફાકને અપશબ્દો કહ્યા હતા અને ફારુકમિયાને માથાના ભાગે બે ઘા માર્યા હતા. પોલીસે હાલ બંને પક્ષોની ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.











