આ એક્શન પ્લાનના સુવ્યવસ્થિત અને સમયસર અમલીકરણ માટે, રાજ્ય દ્વારા એક સમર્પિત AI અને ડિપટેક મિશન ની સ્થાપના કરવામાં આવશે. આ મિશન રાજ્ય સરકારમાં AI વ્યૂહરચનાઓ અને ઉભરતી ટેકનોલોજીના ડિઝાઇન, અમલીકરણ અને ઇનોવેશનમાં એક વિશિષ્ટ સંસ્થાકીય પદ્ધતિ તરીકે કાર્ય કરશે.

અમદાવાદ, રવિવાર
ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વ્યાપક ઉપયોગ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ AI 2025-2030 ને મંજૂરી આપી દીધી છે, જે ગુજરાતને AI-એનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવાની દિશામાં એક મોટો કૂદકો છે. આ પંચવર્ષીય અભિગમ રાજ્યમાં AI ઇકોસિસ્ટમને વેગ આપશે અને સરકારને અદ્યતન AI ક્ષમતાઓથી સજ્જ કરશે.
વિકસિત ગુજરાત @2047: AI દ્વારા શાસનમાં ક્રાંતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ એમ્પાવરમેન્ટ અને ટેકનોલોજીકલ લીડરશીપ ના વિઝનને અનુરૂપ, ગુજરાત સરકારે શાસન વ્યવસ્થામાં AIનો સમુચિત ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. નવેમ્બર 2024માં સોમનાથ ખાતે યોજાયેલી વાર્ષિક ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે જાહેરાત કરી હતી.
આ વિઝનને સાકાર કરવા માટે, ગવર્નન્સ, આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૃષિ, ફિનટેક અને અન્ય મિશન-ક્રિટીકલ ક્ષેત્રોમાં AIના વ્યાપક અમલીકરણ માટે 10 સભ્યોની એક AI ટાસ્કફોર્સ કમિટી ની રચના કરવામાં આવી હતી. આ ટાસ્કફોર્સની ભલામણોના આધારે જ આ વિસ્તૃત એક્શન પ્લાનને અંતિમ મંજૂરી મળી છે.
AI એક્શન પ્લાન: એક સમયબદ્ધ બ્લૂપ્રિન્ટ
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલો આ એક્શન પ્લાન, રાજ્ય સરકારને અદ્યતન AI ક્ષમતાઓથી સજ્જ કરવા માટે એક ટાઈમ બાઉન્ડ બ્લૂપ્રિન્ટ તરીકે કામ કરશે. આનાથી નાગરિકોને સેવાઓનું વિતરણ સરળ બનશે, જીવનની ગુણવત્તામાં સુધારો થશે અને એક સમૃદ્ધ AI ઇકોસિસ્ટમનું નિર્માણ થશે.
છ મુખ્ય આધારસ્તંભો પર કેન્દ્રિત AI રોડમેપ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે આ એક્શન પ્લાનનો રોડમેપ મુખ્યત્વે છ પિલ્લર પર ધ્યાન કેન્દ્રિત કરીને તૈયાર કર્યો છે:
ડેટા: AI વિકાસ માટે સુરક્ષિત, ઇન્ટરઓપરેબલ અને નિયમનકારી-અનુરૂપ ડેટા ઇકોસિસ્ટમ સ્થાપિત કરાશે, જેમાં વ્યાપક AI ડેટા ગવર્નન્સ માળખું અને નિયમનકારી ધોરણો સાથે સુમેળ સુનિશ્ચિત કરવામાં આવશે.
ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં AI ફેક્ટરીઓ સાથે GPU અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરાશે, અને AIRAWAT જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મની ઍક્સેસ અપાશે.
કેપેસિટી બિલ્ડીંગ: વિદ્યાર્થીઓ, MSME અને સરકારી અધિકારીઓ સહિત 2.5 લાખથી વધુ વ્યક્તિઓને AI, ML અને સંબંધિત ડોમેન્સમાં તાલીમ આપવાનું લક્ષ્ય છે.
R&D અને યુઝ-કેસિસ: સંબંધિત વિભાગોને અનુરૂપ વિશિષ્ટ AI સોલ્યુશન્સ અને એપ્લિકેશનો વિકસાવવા માટે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સહયોગને સક્ષમ બનાવવામાં આવશે.
સ્ટાર્ટઅપ ફેસેલિટેશન: ઇન્ક્યુબેશન, માર્ગદર્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રેડિટ્સ અને સીડ ફંડિંગ દ્વારા ડીપટેક સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરાશે.
સલામત અને વિશ્વસનીય AI: ઓડિટ, ગાઈડલાઈન્સ અને AI રિસ્ક પ્રોટોકોલ દ્વારા સુરક્ષિત AI વ્યૂહરચના સુનિશ્ચિત કરવામાં આવશે.
ભવિષ્ય માટે સજ્જ ગુજરાત
આ એક્શન પ્લાનનું તબક્કાવાર અમલીકરણ રાજ્યકક્ષાની AI ડેટા રિપોઝીટરી શરૂ કરવા, AI ફેક્ટરીઓ સ્થાપિત કરવા અને વિભાગવાર પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કરવા જેવી પાયાની ક્રિયાઓથી શરૂ થશે. પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, આ પ્રયાસો વિભાગોમાં AI ઇન્ટિગ્રેશનને વધુ સુદ્રઢ કરશે અને વાઇબ્રન્ટ તથા ઇનોવેટિવ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે.
ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગવર્નન્સમાં AIના જે નવતર અભિગમો અપનાવ્યાં છે તેમાં ગિફ્ટ સિટીનું AI સેન્ટર ઓફ એક્સેલન્સ, AI ઇનોવેશન ચેલેન્જ, હાઈ પર્ફોર્મન્સ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI ટ્રેનિંગ અને વર્કશોપ, તથા LLM માટે ઇન્ડિજિનસ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટનો સમાવેશ થાય છે.
આ એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ AI 2025-2030 ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સનું વધુ એક સીમાચિહ્ન બનશે. તે AI-સંચાલિત ફ્યુચર રેડી ઇકોનોમી માટે રાજ્યને સજ્જ કરીને વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાત @2047 ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.










