ગુજરાતમાં ટ્યુશન માફિયા અને ડે કેર સ્કૂલ સામે જંગ, શું શિક્ષણ જગતની સિસ્ટમ બદલાશે?

આંદોલનની આ જાહેરાત બાદ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પર દબાણ વધ્યું છે. જો આ મામલે કોઈ મોટા પગલાં લેવાશે તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં મોટો બદલાવ આવી શકે છે.

અમદાવાદ, રવિવાર
રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી અનિયમિતતાઓને લઈને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મોટો ખુલાસો કર્યો છે. સંસ્થાએ ટ્યુશનિયા શિક્ષકો, ગેરકાયદેસર ડે કેર સ્કૂલ અને ડમી સ્કૂલો સામે આંદોલનની જાહેરાત કરી છે. આ પગલાથી શિક્ષણ જગતમાં હલચલ મચી ગઈ છે. ફેડરેશને અનેક શિક્ષકો પર ટ્યુશન ચલાવવાનો આરોપ મૂક્યો છે અને જો કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી પણ ઉચ્ચારી છે.

શું છે મુખ્ય મુદ્દાઓ?

ટ્યુશનિયા શિક્ષકો:- ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનો દાવો છે કે રાજ્યભરમાંથી તેમને 200થી વધુ ફરિયાદો મળી છે, જેમાં શાળાઓના શિક્ષકો જ ટ્યુશન ક્લાસ ચલાવે છે. આ ટ્યુશનને કારણે વિદ્યાર્થીઓ પર દબાણ વધે છે અને શાળામાં ભણાવવાની ગુણવત્તા પણ ઘટે છે. જો આવા શિક્ષકો સામે કોઈ એક્શન નહીં લેવાય તો ફેડરેશન પોતે જ જનતા રેડ કરશે.

ઇન્ટર્નલ માર્ક્સની પદ્ધતિ બંધ કરવાની માંગ:- સંસ્થાએ શાળામાં અપાતા 20 માર્ક્સની ઇન્ટર્નલ માર્ક્સ પદ્ધતિ બંધ કરવા પણ માંગ કરી છે. આ પદ્ધતિનો દુરુપયોગ થતો હોવાના આરોપો લાંબા સમયથી લાગી રહ્યા છે. ફેડરેશનનું માનવું છે કે તેનાથી મેરિટ આધારિત શિક્ષણ પ્રણાલીને નુકસાન થાય છે.

ગેરકાયદેસર ડે કેર સ્કૂલો:- ફેડરેશને જણાવ્યું છે કે અનેક પ્રાઇવેટ સ્કૂલો નિયમોનું ઉલ્લંઘન કરીને ડે કેર સ્કૂલ ચલાવી રહી છે. આ વેપાર 2000 કરોડ રૂપિયાથી પણ વધુનો હોવાનો અંદાજ છે અને તેમાં ટેક્સની મોટી ચોરી થઈ રહી છે.

ડમી સ્કૂલ પર કાર્યવાહીની અપીલ:- CBSE બોર્ડે ડમી સ્કૂલો સામે કડક પગલાં લીધા છે, પરંતુ ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી. ફેડરેશને માંગ કરી છે કે ગુજરાતમાં પણ ડમી સ્કૂલોને નાથવા માટે કડક કાયદા અને પગલાં લેવામાં આવે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!