આ ફેરફારનો સૌથી મોટો ફાયદો એ છે કે કર્મચારીઓ હવે જાતે જ તેમનો UAN જનરેટ અને એક્ટિવ કરી શકશે. આ માટે તેમને ફક્ત તેમના મોબાઈલ ફોનમાં Umang App અને Aadhaar Face RD App ડાઉનલોડ કરવાની રહેશે.

અમદાવાદ, બુધવાર
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તેના સભ્યો માટે એક મોટો અને મહત્વનો નિયમ બદલ્યો છે. 7મી ઓગસ્ટથી, EPFO મેમ્બર્સ માટે તેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ને Umang App દ્વારા એક્ટિવ કરવું ફરજિયાત બની ગયું છે. આ માટે હવે આધાર કાર્ડ પર આધારિત ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવો પડશે. જો કોઈ સભ્ય આ નિયમનું પાલન નહીં કરે, તો તેની સેવાઓ બંધ પણ થઈ શકે છે.
હવે UAN જનરેટ કરવું થયું એકદમ સરળ
EPFOએ 30 જુલાઈના રોજ એક પરિપત્ર (સર્ક્યુલર) બહાર પાડીને આ ફેરફારની જાણ કરી હતી. આ નવા નિયમ મુજબ, હવે મોટાભાગના નવા UAN ફક્ત આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીથી જ જનરેટ થશે. આ આખી પ્રક્રિયા Umang App દ્વારા પૂર્ણ થશે, જેથી હવે UAN બનાવવા માટે એમ્પ્લોયરનો સંપર્ક કરવાની જરૂર નહીં રહે. જોકે, આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ માટે એમ્પ્લોયર દ્વારા UAN જનરેટ કરવાની જૂની પદ્ધતિ ચાલુ રહેશે.
આ ફેરફારનો સૌથી મોટો ફાયદો એ છે કે કર્મચારીઓ હવે જાતે જ તેમનો UAN જનરેટ અને એક્ટિવ કરી શકશે. આ માટે તેમને ફક્ત તેમના મોબાઈલ ફોનમાં Umang App અને Aadhaar Face RD App ડાઉનલોડ કરવાની રહેશે. UAN એક્ટિવ થયા બાદ, યુઝર E-UAN કાર્ડની ડિજિટલ કોપી પણ ડાઉનલોડ કરી શકશે અને તેને સીધા EPFO સાથે જોડાવા માટે એમ્પ્લોયર સાથે શેર કરી શકશે.
UAN જનરેટ કરવા માટે આ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો
* નવી ટેકનોલોજીથી UAN જનરેટ કરવા માટે તમારી પાસે નીચેની વસ્તુઓ હોવી જરૂરી છે.
* માન્ય આધાર કાર્ડ નંબર અને તેની સાથે લિંક થયેલો મોબાઈલ નંબર.
* ચહેરાના સ્કેનિંગ માટે Aadhaar Face RD App.
* આ વસ્તુઓ તૈયાર હોય તો આખી પ્રક્રિયા તમારા ફોન દ્વારા થોડી જ મિનિટોમાં પૂરી થઈ જશે.
આ રીતે મિનિટોમાં તમારો UAN બનાવો
સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનમાં Umang App ખોલો અને EPFO સેક્શનમાં જાઓ.
હવે UAN allotment and activation નો વિકલ્પ પસંદ કરો.
અહીં તમારો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો અને આધાર વેરિફિકેશન માટે બોક્સ પર ક્લિક કરો.
‘Send OTP’ પર ક્લિક કરો અને મોબાઈલ પર આવેલો OTP દાખલ કરીને વેરિફિકેશન પૂરું કરો.
હવે ફેસ ઓથેન્ટિકેશન પૂરું કરવું પડશે, જેના માટે Aadhaar Face RD App ઇન્સ્ટોલ કરો.
જો સિસ્ટમમાં તમારો કોઈ હાલનો UAN નહીં મળે, તો એક નવો UAN જનરેટ થશે.
વેરિફિકેશન બાદ, તમારો UAN અને એક કામચલાઉ પાસવર્ડ SMS દ્વારા તમને મોકલવામાં આવશે.
આ પદ્ધતિ નવા યુઝર્સ અને જેમનો UAN પહેલાથી એક્ટિવ નથી, તે બંને માટે છે.
આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો?
EPFOએ આ નવો ફેરફાર UAN એક્ટિવેશનની પ્રક્રિયાને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે કર્યો છે. ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી (FAT)નો ઉપયોગ કરવાથી યુઝરની બધી માહિતી સીધી આધાર ડેટાબેઝમાંથી આવે છે. આનાથી ખોટી માહિતી દાખલ થવાની શક્યતા ઓછી થાય છે અને મેન્યુઅલી ડિટેલ્સ ભરવાની જરૂર રહેતી નથી.
અત્યાર સુધી, ઘણા કર્મચારીઓ તેમના UAN સેટઅપ અને એક્ટિવેશન માટે તેમના એમ્પ્લોયર પર નિર્ભર રહેતા હતા. આના કારણે ઘણીવાર વિલંબ, ખોટી માહિતી અને PFના લાભો સુધી પહોંચવામાં મુશ્કેલીઓ આવતી હતી. આ નવા નિયમથી આવી સમસ્યાઓનો અંત આવશે. જોકે, આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ અને નેપાળ અથવા ભૂટાનના નાગરિકો માટે જૂની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.











