લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઈન્ડિયા બ્લોકના નેતાઓ સાથે કથિત ‘ચૂંટણી કૌભાંડ’ અંગે ચર્ચા કરી.

નવી દિલ્હી,ગુરૂવાર: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઈન્ડિયા બ્લોકના નેતાઓ સાથે કથિત ‘ચૂંટણી કૌભાંડ’ અંગે ચર્ચા કરી. આજે રાહુલ ગાંધીના નિવાસસ્થાને એક ડિનર મીટિંગ યોજાઈ હતી. તેમણે ઈન્ડિયા બ્લોકના નેતાઓને એક પ્રેઝન્ટેશન બતાવ્યું. આ મીટિંગનો હેતુ ચૂંટણીમાં કથિત ગેરરીતિઓ પર એક સામાન્ય રણનીતિ ઘડવાનો છે. ગૌરવ ગોગોઈએ કહ્યું કે રાહુલ ગાંધીએ પુરાવા સાથે સમજાવ્યું કે મતદાનમાં કેવી રીતે ગોટાળા થઈ રહ્યા છે.
ઈન્ડિયા બ્લોકના લગભગ 25 પક્ષોના 50 નેતાઓ રાહુલ ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી આ ડિનર મીટિંગમાં હાજરી આપી હતી. વિવિધ રાજ્યોના કોંગ્રેસના ત્રણ મુખ્યમંત્રીઓ – સુખવિંદર સિંહ સુખુ, રેવંત રેડ્ડી અને સિદ્ધારમૈયા પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા.
આ ઉપરાંત, શરદ પવાર, ફારુક અબ્દુલ્લા, અભિષેક બેનર્જી, ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે, અખિલેશ અને ડિમ્પલ યાદવ, તેજસ્વી યાદવ અને મહેબૂબા મુફ્તી જેવા અગ્રણી નેતાઓ પણ મીટિંગમાં હાજરી આપવા આવ્યા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ મીટિંગનો ભાગ છે.
ગૌરવ ગોગોઈએ કહ્યું કે રાહુલ ગાંધીએ ‘ચૂંટણી કૌભાંડ’ અંગે પુરાવા સાથે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે બતાવ્યું કે મતદાનમાં કેવી રીતે ગોટાળા થઈ રહ્યા છે. બેઠકનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક હતું અને બધા નેતાઓએ આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કર્યો. આ પ્રેઝન્ટેશન પછી, ઇન્ડિયા બ્લોકના નેતાઓએ સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા અને દબાણ બનાવવાની વ્યૂહરચના પર ચર્ચા કરી.










