પ્રાંતિજ મામલતદાર રૂ. 50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, ACBની સફળ ટ્રેપ

છેલ્લા 4 દિવસમાં સાબરકાંઠા જિલ્લામાં લાંચ લેતા 2 સરકારી અધિકારીઓ ઝડપાયા છે. આ પહેલા પણ એક અધિકારી લાંચના કેસમાં પકડાયા હતા.

સાબરકાંઠા, શુક્રવાર
રાજ્યમાં ભ્રષ્ટાચારને ડામવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સુરત, વલસાડ, અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં પણ લાંચિયા અધિકારીઓ પર ACBએ સપાટો બોલાવ્યો છે. ત્યારે હવે આ કડીમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મામલતદાર પણ ACBના છટકામાં ફસાયા છે. મામલતદાર જગદીશકુમાર ગણેશભાઈ ડાભી અને આઉટસોર્સ કર્મચારી કમલેશકુમાર અશોકભાઈ પરમારને રૂ. 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગાંધીનગર ACBની ટીમે પ્રાંતિજમાં આ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મામલતદાર જગદીશકુમાર ડાભી અને આઉટસોર્સ કર્મચારી કમલેશકુમાર પરમારે રેતી અને કપચી ભરેલી ગાડીઓને પકડી ન પાડવા અને દંડ ન કરવા માટે રૂ. 50,000ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ મામલતદાર કચેરીના પાર્કિંગમાં મામલતદાર વતી આઉટસોર્સ કર્મચારી કમલેશકુમાર લેતા હતા ત્યારે ACBની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. આ ઘટનાને કારણે સરકારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ચાર દિવસમાં બીજી ઘટના
નોંધનીય છે કે, છેલ્લા 4 દિવસમાં સાબરકાંઠા જિલ્લામાં લાંચ લેતા 2 સરકારી અધિકારીઓ ઝડપાયા છે. આ પહેલા પણ એક અધિકારી લાંચના કેસમાં પકડાયા હતા. ACBની આ સતત કાર્યવાહીથી ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જો કોઈ પણ સરકારી અધિકારી તમારી પાસે લાંચ માંગે, તો તમે તાત્કાલિક ACBનો સંપર્ક કરી શકો છો. ACBનો ટોલ ફ્રી નંબર 1064 છે. આ નંબર પર કોલ કરીને તમે અધિકારીનું નામ અને તેમની ફરજનું સ્થળ જણાવી શકો છો, જેના આધારે ACB તમારી મદદ કરશે અને ટ્રેપ ગોઠવીને ભ્રષ્ટાચારી અધિકારીને પકડી શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!