રિવરફ્રન્ટના પ્રોજેક્ટ્સનું બાળ મરણ, જાણી લો વિકાસની વાતો વચ્ચે વાસ્તવિકતા

અમદાવાદના રિવરફ્રન્ટ પર ચાલુ થયેલા અનેક પ્રોજેક્ટ્સ નિષ્ફળ રહ્યા હોવાના વિપક્ષના આક્ષેપો સામે સત્તાપક્ષે સ્પષ્ટતા કરી છે. જાણો કયા પ્રોજેક્ટ્સ શરૂ થયા અને કેમ બંધ થયા.

અમદાવાદ, મંગળવાર
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને શહેરના ગૌરવ તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ, વર્ષ 2016થી અત્યાર સુધી અહીં શરૂ થયેલા અનેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ નિષ્ફળ રહ્યા હોવાનો દાવો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ શરૂ થયાના એક કે બે વર્ષમાં જ બંધ થઈ ગયા હોવાથી વિપક્ષે આને ‘પ્રોજેક્ટ્સનું બાળ મરણ’ ગણાવ્યું છે.

પ્રોજેક્ટ્સનું લિસ્ટ અને વિપક્ષના આક્ષેપો
તાજેતરમાં રિવરફ્રન્ટ બોર્ડની બેઠકમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે ઘણા પ્રોજેક્ટ્સ માત્ર માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે શરૂ કરવામાં આવ્યા હતા, જે સફળ થયા નથી. જે પ્રોજેક્ટ્સ બંધ થયા છે તેમાં નીચે મુજબના મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

* ઝીપ લાઇન સેવા જે વર્ષ 2016માં શરૂ થઈ હતી.

* સી પ્લેન જે હાઈપ ક્રિએટ કરાયેલો પરંતુ નિષ્ફળ પ્રોજેક્ટ.

* જોય રાઈડ હેલિકોપ્ટર – શરૂ થઈને ટૂંકા સમયમાં જ બંધ થઈ ગયું.

* કાયાકિંગ વોટર એક્ટિવિટી – શરૂ કરવામાં આવેલી પણ લાંબો સમય ટકી નહિ.

* રિવર ક્રૂઝ તરતી રેસ્ટોરન્ટ તરીકે શરૂ કરાઈ હતી.

સત્તાપક્ષનો બચાવ
વિપક્ષના આ આક્ષેપો પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વિપક્ષના દાવા ખોટા છે. તેમણે આ પ્રોજેક્ટ્સ અસ્થાયી ધોરણે બંધ થવા પાછળનાં કારણો રજૂ કર્યાં.

રિવર ક્રૂઝ: દાણીના જણાવ્યા મુજબ, ક્રૂઝ સર્વિસ વરસાદ કે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવે છે, પરંતુ હાલમાં તે ફરીથી કાર્યરત છે.

ઝીપ લાઇન અને હેલિકોપ્ટર સર્વિસ: આ સેવાઓ ટેકનિકલ ખામીના કારણે બંધ થઈ હોઈ શકે છે.

ભવિષ્યના પ્લાન: દાણીએ વધુમાં જણાવ્યું કે AMC દ્વારા Imagica સાથે એક MoU કરવામાં આવ્યો છે, જેનાથી આગામી સમયમાં અમદાવાદના લોકોને મનોરંજન માટે લોનાવાલા જવું નહીં પડે.

શહેરમાં પ્રોજેક્ટ્સ તો શરૂ થાય છે, પરંતુ તેનું આયોજન અને અમલીકરણ નબળું હોવાથી આરંભે શૂરા જેવી સ્થિતિ સર્જાય છે. અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં મોટા પ્રોજેક્ટ્સ શરૂ થવા છતાં જો તેનું યોગ્ય મેનેજમેન્ટ ન થાય તો તે ટૂંક સમયમાં જ બંધ થઈ જાય છે અને શહેરના નાગરિકોને તેનો લાભ મળતો નથી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!