સાયબર ક્રાઇમની જાળ: મ્યાનમાર-કમ્બોડિયામાં ફસાયા અનેક ગુજરાતી યુવાનો

ટેલિગ્રામ પર આઈટી જોબની લાલચ આપીને દુબઈમાં બેઠેલો અભિષેક સિંગ કેવી રીતે ગુજરાતી યુવાનોને મ્યાનમાર અને કમ્બોડિયાના સાયબર ક્રાઇમ કોલ સેન્ટરમાં ફસાવતો હતો. એક પીડિત યુવકના ખુલાસાથી સાયબર ક્રાઇમ વિભાગે શરૂ કરી તપાસ.

અમદાવાદ, મંગળવાર
ટેલિગ્રામ ચેનલ પર આઈટી કંપનીમાં નોકરીની લાલચ આપીને વિદેશી જમીન પર યુવાનોને સાયબર ક્રાઇમની જાળમાં ફસાવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં મ્યાનમાર અને કમ્બોડિયામાં અનેક ગુજરાતી યુવાનો ફસાયા હોવાનું બહાર આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલા સાયબર ક્રાઇમ વિભાગને એક પીડિત યુવકની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો મળી છે.

આ કૌભાંડનો મુખ્ય આરોપી અભિષેક સિંગ નામનો એક વ્યક્તિ છે, જે દુબઈથી આખું રેકેટ ચલાવી રહ્યો હતો. તે ચાઈનીઝ ગેંગ સાથે મળીને યુવાનોને થાઈલેન્ડના બેંગકોકમાં ટૂરિસ્ટ વિઝા પર બોલાવતો હતો. શરૂઆતમાં બેંગકોક પહોંચ્યા પછી યુવાનોને અંદાજે 400 કિલોમીટર દૂર એક હોટેલમાં લઈ જવામાં આવતા. અહીંથી તેમને ગેરકાયદે રીતે મ્યાનમાર અને કમ્બોડિયામાં લઈ જઈને કોલ સેન્ટરમાં સાયબર ફ્રોડ કરવા માટે મજબૂર કરવામાં આવતા.

ટ્રેનિંગ અને ટોર્ચર
અમદાવાદના એક યુવકે તાજેતરમાં આ જાળમાંથી છૂટીને પરત ફર્યા બાદ આ સમગ્ર હકીકતનો ખુલાસો કર્યો છે. તેના કહેવા પ્રમાણે, તેને અને તેના મિત્રને અભિષેક સિંગે બેંગકોક માટે નોકરીની ઓફર આપી હતી. બેંગકોક પહોંચ્યા બાદ તેમને એક ટેક્સી દ્વારા મ્યાનમાર કેનાલ પાસે લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ 20 કિલોમીટર ચાલીને એક કોલ સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યા. ત્યાં તેમના ફોટા અને લોહીના સેમ્પલ લેવામાં આવ્યા, અને તેમને કોલ સેન્ટર દ્વારા સાયબર ફ્રોડ કરીને પૈસા પડાવવાની કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું. આ માટે 20 દિવસની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

જ્યારે આ યુવકે સાયબર ક્રાઇમ કરવાની ના પાડી, ત્યારે તેને કોલ સેન્ટરની ઓફિસમાં જ બનાવેલી જેલમાં 5 દિવસ સુધી પૂરીને માર મારવામાં આવ્યો હતો. તેનો ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. યુવકના જણાવ્યા મુજબ, કોલ સેન્ટરમાં અનેક ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ પણ ફસાયેલા છે. તેમના ટૂરિસ્ટ વિઝા પૂરા થઈ ગયા હોવાથી તેઓ થાઈલેન્ડ પાછા ફરી શકતા નથી, જેના કારણે તેઓ ત્યાં ફસાયેલા છે.

ખંડણી આપીને છૂટકારો
અમદાવાદના આ યુવકે સતત પાછા જવાની જીદ કરતા આખરે તેના ફોનમાંથી તમામ ડેટા ડિલીટ કરી દેવામાં આવ્યા અને તેની પાસેથી ખંડણી પેટે 3,50,000 લાખ રૂપિયા મંગાવવામાં આવ્યા. આ રકમ ચૂકવ્યા બાદ તેને મ્યાનમારથી થાઈલેન્ડની સરહદ પર છોડી દેવામાં આવ્યો. ત્યાંથી તેણે તેના સંબંધીઓને ફોન કરીને ટિકિટની વ્યવસ્થા કરી અને સુરક્ષિત રીતે ભારત પરત ફર્યો.

આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી દીધી છે. સેન્ટ્રલ એજન્સીની મદદથી મ્યાનમાર અને કમ્બોડિયામાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ સાથે જ, દુબઈથી આ કૌભાંડ ચલાવનાર મુખ્ય આરોપી અભિષેક સિંગને પકડવા માટે પણ વિવિધ એજન્સીઓની મદદ લેવામાં આવશે. આ કેસ એ વાતનો એક મોટો દાખલો છે કે વિદેશમાં નોકરીની લાલચ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!