દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે દુનિયાનો પહેલો AI આધારિત ઇમિગ્રેશન કોરિડોર લૉન્ચ કર્યો છે. હવે મુસાફરોએ પાસપોર્ટ કે બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ બતાવ્યા વગર જ ઇમિગ્રેશન પ્રોસેસ પૂરી કરી શકશે. જાણો આ આર્ટિકલમાં આ નવી ટેકનોલોજી કેવી રીતે કામ કરશે અને ભારતીય એરપોર્ટ પર તેનું શું ભવિષ્ય છે.

દુબઈ, મંગળવાર
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે ફરી એકવાર ટેકનોલોજીની દુનિયામાં કમાલ કરી છે. તેણે દુનિયાનો પહેલો એવો ઇમિગ્રેશન કોરિડોર બનાવ્યો છે જે સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ચાલે છે. હવે મુસાફરોએ ઇમિગ્રેશન માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે અને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા વગર જ તેઓ એરપોર્ટમાંથી પસાર થઈ શકશે. જનરલ ડિરેક્ટોરેટ ઓફ રેસિડન્સી એન્ડ ફોરેન અફેર્સ (GDRFA) દ્વારા લૉન્ચ કરવામાં આવેલી આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ટ્રાવેલ વિથઆઉટ બોર્ડર’ના વિચારને સાકાર કરવાનો છે.
AI કોરિડોર કેવી રીતે કામ કરશે?
આ કોરિડોરનું કામ કરવાની રીત એકદમ અદ્યતન છે. તેમાં અદ્યતન બાયોમેટ્રિક સિસ્ટમ અને AI ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. જ્યારે કોઈ પેસેન્જર આ કોરિડોરમાંથી પસાર થાય છે, ત્યારે સિસ્ટમ તેને રીઅલ-ટાઈમમાં ઓળખી લે છે. તે પેસેન્જરના ડેટાને તુરંત વેરિફાય કરી લે છે. આ આખી પ્રોસેસ પેસેન્જર ઇમિગ્રેશન ચેકપોઇન્ટ પર પહોંચે તે પહેલાં જ પૂરી થઈ જાય છે.

આ સિસ્ટમ એટલી સ્માર્ટ છે કે એક સાથે 10 મુસાફરો પસાર થઈ શકે છે. આ આખી પ્રક્રિયા અત્યંત ઝડપી અને સુરક્ષિત છે. જો સિસ્ટમને કોઈ પણ પેસેન્જરમાં કંઈ પણ શંકાસ્પદ લાગે, તો તે તરત એલર્ટ આપે છે અને પછી પાસપોર્ટની તપાસ કોઈ એક્સપર્ટ દ્વારા કરવામાં આવે છે.
પ્રોસેસિંગ સ્પીડમાં નોંધપાત્ર વધારો
આ નવી સિસ્ટમથી દુબઈ એરપોર્ટની પેસેન્જર પ્રોસેસિંગ કેપેસિટીમાં જબરદસ્ત વધારો થયો છે. હવે ગમે તેટલો ટ્રાફિક હોય કે ગમે તેટલી ફ્લાઈટ્સ એકસાથે આવે, પેસેન્જરોને રાહ જોવી પડતી નથી. આ સિસ્ટમનો મુખ્ય હેતુ એરપોર્ટ પરથી ભીડ ઓછી કરવાનો અને મુસાફરોનો સમય બચાવવાનો છે. મુસાફરોએ આ નવી ટેકનોલોજીને હકારાત્મક રીતે વધાવી લીધી છે, કારણ કે તેમને હવે જૂની લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું નથી.
ભારત માટે એક મોટો સવાલ
જ્યાં દુબઈ અને અન્ય વિકસિત દેશો આવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે, ત્યાં ભારતના એરપોર્ટ્સ પર હજુ પણ ઘણી જૂની પદ્ધતિઓ વપરાય છે. મુંબઈ જેવા વ્યસ્ત એરપોર્ટ પર પણ ઇમિગ્રેશન માટે 1 કલાકથી વધુ સમય લાગી શકે છે. દુબઈમાં જ્યાં વર્ષો પહેલાં પાસપોર્ટ પર સ્ટેમ્પ મારવાની પ્રથા બંધ થઈ ગઈ છે, ત્યાં ભારતના મોટા ભાગના ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર હજુ પણ આ જ પદ્ધતિ ચાલે છે.
આ સંજોગોમાં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ભારતમાં આવી AI આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ થઈ શકશે? અને જો લાગુ થાય તો તે કેટલી સફળ થશે? દુબઈના આ પ્રયાસે ભવિષ્યના એર ટ્રાવેલનો પાયો નાખ્યો છે અને હવે સમય કહેશે કે દુનિયાના બીજા દેશો આ ટેકનોલોજીને કેવી રીતે અપનાવશે.











