મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. જાણો કેવી રીતે 12 લોકોના મોત થયા, પરીક્ષાઓ સ્થગિત થઈ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈ, મંગળવાર
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન બેહાલ બન્યું છે. ખાસ કરીને મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં પરિસ્થિતિ ગંભીર છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને ટ્રાફિક જામની સમસ્યા વધી છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોના મોત થયા છે, જેમાં નાંદેડમાં પૂરના કારણે 9 અને મુંબઈમાં દીવાલ ધસી પડતાં 1 વ્યક્તિનું મોત થયું છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ 2 લોકોના મોત થયા છે.
મુંબઈનું જનજીવન ઠપ્પ થયું
મુંબઈમાં સતત વરસાદના કારણે સેન્ટ્રલ અને હાર્બર રેલવે લાઈન પર ટ્રેનો મોડી ચાલી રહી છે, જેના કારણે કમ્યુટર્સને મુશ્કેલી પડી રહી છે. ટ્રાફિક જામના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નથી, અને અનેક ઓફિસોએ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરી છે.
પરીક્ષા અને શાળાઓ બંધ
વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ યુનિવર્સિટીએ આજની તમામ પરીક્ષાઓ સ્થગિત કરી છે. આ પરીક્ષાઓ હવે 23 ઓગસ્ટ, 2025ના રોજ યોજાશે. આ ઉપરાંત, શહેરમાં શાળાઓ અને કોલેજોને પણ રજા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં મુંબઈના ઘણા વિસ્તારોમાં 200 mmથી વધુ વરસાદ પડ્યો છે. વિક્રોલીમાં સૌથી વધુ 255.5 mm વરસાદ નોંધાયો છે. શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે બોરીવલી, અંધેરી, સિયોન અને દાદરમાં પાણી ભરાયા છે, જેના કારણે BMC દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આજે પણ રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે પણ મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે.











