ઉપ-રાષ્ટ્રપતિ પદની રેસમાં જોરદાર ટક્કર: NDAના રાધાકૃષ્ણન સામે INDIAએ સુદર્શન રેડ્ડીને ઉતાર્યા

ભારતના ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણી રસપ્રદ બની રહી છે. NDAએ C. P. રાધાકૃષ્ણન અને INDIAએ ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ જજ B. સુદર્શન રેડ્ડીને પોતાના કેન્ડિડેટ બનાવ્યા છે.

નવી દિલ્હી, મંગળવાર
ભારતના રાજકારણમાં હાલ ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન સામે વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકે પોતાના પત્તા ખોલી દીધા છે. વિપક્ષે સર્વસંમતિથી સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સુદર્શન રેડ્ડી ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રગતિશીલ કાયદાશાસ્ત્રીઓમાંના એક છે. તેમનો લીગલ કરિયર ખૂબ શાનદાર રહ્યો છે, જેમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ, ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના જજ તરીકેનો અનુભવ સામેલ છે.

ખડગેએ વધુમાં જણાવ્યું કે, રેડ્ડીએ હંમેશા સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય માટે બહાદુરીપૂર્વક લડત આપી છે. તેમણે અનેક ચુકાદાઓમાં ગરીબ અને વંચિત લોકોના હક માટે અવાજ ઉઠાવ્યો છે અને બંધારણ તથા મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું છે.

વિપક્ષ દ્વારા સુદર્શન રેડ્ડીની પસંદગી પાછળનું એક મોટું કારણ તેમની તાજેતરની કામગીરી પણ છે. જાતિગત વસ્તીગણતરી બાદ તેલંગાણા સરકારે એક સ્વતંત્ર વિશેષજ્ઞ કાર્ય જૂથ (IEWG) બનાવ્યું હતું, જેનું નેતૃત્વ સુદર્શન રેડ્ડીએ કર્યું હતું. આ સમિતિએ રાજ્ય સરકારને 300 પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો અને સર્વેને વૈજ્ઞાનિક, પ્રમાણિક અને વિશ્વસનીય ગણાવી તેને દેશ માટે એક આદર્શ બનાવ્યો હતો.

જોકે, સંખ્યાબળની દ્રષ્ટિએ NDA ગઠબંધનનો પક્ષ વધુ મજબૂત દેખાઈ રહ્યો છે, જેના કારણે રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે. આમ છતાં, આ ઉમેદવારીથી ચૂંટણીમાં એક રસપ્રદ માહોલ ઊભો થયો છે. હવે જોવાનું એ રહેશે કે આ મુકાબલામાં કોણ બાજી મારે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!