બપોરના સમયથી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા, પરિવારે તેમની શોધખોળ શરૂ કરી. આખરે, આંગણામાં પડેલી કારમાંથી બંને બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા.

ભાવનગર, બુધવાર
ભાવનગર જિલ્લાના તળાજાના પાવઠી ગામમાં એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં કારમાં ગૂંગળાઈ જવાથી બે સગા ભાઈ-બહેનનાં મોત નિપજ્યાં છે. આ ઘટનાએ સમગ્ર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. માતા-પિતા માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે, જે બાળકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા કરે છે.
શું હતી ઘટના?
પ્રાથમિક માહિતી મુજબ, તળાજાના પાવઠી ગામમાં આંગણામાં પાર્ક કરેલી એક ફોર વ્હીલ કારમાં 4 વર્ષીય ભાઈ અને તેની 6 વર્ષીય બહેન રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક કાર લોક થઈ ગઈ, અને અંદર ફસાઈ ગયેલા બાળકો ગૂંગળામણનો ભોગ બન્યા.

બપોરના સમયથી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા, પરિવારે તેમની શોધખોળ શરૂ કરી. આખરે, આંગણામાં પડેલી કારમાંથી બંને બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા. તાત્કાલિક તેમને તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પોલીસે તપાસ હાથ ધરી
આ હૃદયદ્રાવક ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર બાળકોની સુરક્ષા અને વાલીઓની સતર્કતાનું મહત્વ દર્શાવે છે. વાલીઓએ બાળકોને બંધ વાહનોમાં એકલા ન છોડવા તેમજ રમવા માટે સુરક્ષિત સ્થળો પૂરા પાડવા અત્યંત જરૂરી છે.











