મુખ્યમંત્રી પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં માર્ગો, પુલો, નાળા, કોઝ-વે વગેરેની પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચકાસણી કરવામાં આવી હતી તે સંદર્ભની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ ક્ષતિ કે કચાશ ન રહે તે સુનિશ્ચિત કરવું.

અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રાજ્યના રસ્તાઓની દયનીય હાલત સામે આવી છે, જેને લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આડે હાથ લીધી છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ખરાબ રસ્તાઓ માટે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
હાઈકોર્ટનો કડક વલણ
હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે, ખરાબ રોડ જેવી પરિસ્થિતિમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લો. બેદરકાર અધિકારી સામે ચાર્જફ્રેમ થઈ શકે છે. કોર્ટે એ પણ ભારપૂર્વક જણાવ્યું કે, બેદરકાર અધિકારીઓના લીધે કાયદાનું પાલન ન થાય તે ચલાવી લેવામાં આવશે નહીં. કોર્ટે પ્રશ્ન કર્યો કે દર વર્ષે આવી જ પરિસ્થિતિમાં જનતાને શા માટે મુકવામાં આવે છે અને સરકાર દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી?
હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે તેઓ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તંત્રની બેદરકારીના ભોગે નિર્દોષ જનતા ભોગ બને તે કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, ખરાબ અને હલકી ગુણવત્તાના રોડ-રસ્તાઓ બનાવતા કોન્ટ્રાક્ટરો સામે દંડ સહિતની કાર્યવાહી કરવાની પણ તાકીદ કરી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી 17 જુલાઈના રોજ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા
બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તેમજ ગામો, નગરો અને મહાનગરોના રસ્તાઓને થયેલા નુકસાનના દુરસ્તી કાર્ય 24×7 યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે. તેમણે સીએમ ડેશબોર્ડની વીડિયો વોલ મારફતે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો અને પુલોના મરામતના કામોની સમીક્ષા કરી હતી.











