431 બોટલ-બીયર ટીન સહિત રૂ. 1.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, પ્રોહિબિશનનો ગુનો નોંધાયો : ખાનગી બાતમીના આધારે સર્વેલન્સ ટીમે રાવળવાસ નજીક દરોડો પાડી સેન્ટ્રો કાર કબજે કરી

ગાંધીનગર, શનિવાર : પેથાપુર પોલીસને દારૂના જથ્થા સામે વધુ એક મહત્વની સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે પોલીસે પેથાપુર ગામના રાવળવાસ નજીક ખુલ્લી જગ્યામાં પડેલી એક લાવારિસ સેન્ટ્રો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેઠ્ઠી, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આયુષ જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પેથાપુર પોલીસ દ્વારા દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
તે દરમિયાન સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રામસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે રાવળવાસ નજીક ખુલ્લી જગ્યામાં ઉભેલી સિલ્વર રંગની સેન્ટ્રો કારમાં દારૂનો જથ્થો ભરેલો છે. બાતમીના આધારે પંચોની હાજરીમાં પોલીસે સ્થળ પર તપાસ કરતાં કાર નંબર GJ-18-BA-4661માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 431 બોટલો અને બિયર ટીન મળી આવ્યા હતા. ઝડપાયેલા દારૂની કિંમત રૂ. 50,810, જ્યારે કારની કિંમત આશરે રૂ. 1 લાખ હોવાનું સામે આવ્યું છે. આમ કુલ રૂ. 1,50,810નો મુદ્દામાલ કબજે કરીને પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરી પેથાપુર પોલીસ સ્ટેશનના PI એ.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રામસિંહ તથા અજયસિંહ પોપટસિંહ, વિજયસિંહ પ્રવિણસિંહ, ભાવેશભાઈ રામજીભાઈ, હિતેન્દ્રસિંહ રણજીતસિંહ અને ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.











