વરતેજ પોલીસ હદમાંથી 4.306 કિલો સ્પર્મ વ્હેલનું દુર્લભ એંબરગ્રીસ ઝડપાયું, ચાર આરોપીઓની ધરપકડ : પરફ્યુમ ઉદ્યોગમાં કરોડોની કિંમત ધરાવતા એંબરગ્રીસનો ગેરકાયદે વેપાર, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો

ગાંધીનગર, શનિવાર : ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનીટરીંગ સેલ સતત સક્રિય બન્યું છે. ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા દરમિયાન કરોડોની કિંમતનું દુર્લભ એંબરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વધુ બે શખ્સોને વૉન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલે ભાવનગર જિલ્લામાં મોટી કાર્યવાહી કરતાં આશરે 4 કરોડ 30 લાખ 60 હજાર રૂપિયાનું 4 કિલો 306 ગ્રામ એંબરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી) જપ્ત કર્યું છે. આ દુર્લભ પદાર્થને સામાન્ય ભાષામાં સ્પર્મ વ્હેલની ઉલ્ટી તરીકે ઓળખવામાં આવે છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત હોય છે. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરોધી ઝુંબેશ દરમિયાન PI આર.કે. કરમટાની ટીમે બુધેલ ગામ નજીક બ્લ્યુ સ્કાય સોસાયટી પાસે દરોડો પાડી ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા.

પકડાયેલા આરોપીઓ પાસેથી અલગ-અલગ આકારના એંબરગ્રીસના ટુકડાઓ મળી આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગ અને એફએસએલની પ્રાથમિક તપાસ બાદ આ પદાર્થ એંબરગ્રીસ હોવાનું સામે આવ્યું. પોલીસે કુલ ₹4.31 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે વરતેજ પોલીસને સોંપ્યા છે.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો કે આ જથ્થો અન્ય બે શખ્સોએ કમિશનના આધારે વેચાણ માટે તેમની પાસે રાખ્યો હતો. હાલ બંને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ-1972 હેઠળ સ્પર્મ વ્હેલને સર્વોચ્ચ કાનૂની સુરક્ષા આપવામાં આવી છે. એંબરગ્રીસનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાના પરફ્યુમમાં સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે થાય છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડો રૂપિયામાં પહોંચે છે. હાલ સમગ્ર મામલે વરતેજ પોલીસ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.











