એપ્રિલ મહિનામાં આકાશમાં 4 ગ્રહો એક સીધી રેખામાં જોવા મળશે. બુધ, મંગળ, શનિ અને નેપ્ચ્યુનનો આ અદભૂત નજારો ભારતમાં ક્યારે અને ક્યાંથી સૌથી સ્પષ્ટ દેખાશે, જાણો સંપૂર્ણ વિગતો અહીં.

અમદાવાદ, મંગળવાર
જો તમે આકાશ અને અવકાશમાં બનતી ઘટનાઓમાં રસ ધરાવો છો, તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે, જેમાં આપણા સૂર્યમંડળના 4 ગ્રહો – બુધ, મંગળ, શનિ અને નેપ્ચ્યુન – એક જ સીધી લાઈનમાં ગોઠવાયેલા જોવા મળશે.
ક્યારે જોવા મળશે આ અદભૂત નજારો?
આ ગ્રહોની ગોઠવણી 16 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન જોવા મળવાની છે. જોકે, આ ઘટનાનો સૌથી શ્રેષ્ઠ અને મનમોહક નજારો 18 થી 20 એપ્રિલ દરમિયાન જોઈ શકાશે. ખાસ કરીને 20 એપ્રિલના રોજ આ ગ્રહો એટલા નજીક હશે કે જો તમે તમારો હાથ આકાશ તરફ લંબાવો, તો તમારી ત્રણ આંગળીઓની પાછળ જ આ ત્રણેય ગ્રહો સમાઈ જાય તેવા દેખાશે.
ગ્રહોની ગોઠવણી એટલે શું?
વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ તો, સૂર્યમંડળના તમામ ગ્રહો સૂર્યની આસપાસ પોતપોતાની કક્ષામાં ફરે છે. જ્યારે અનેક ગ્રહો સૂર્યની એક જ બાજુ પર આવી જાય છે, ત્યારે પૃથ્વી પરથી જોતા તેઓ આકાશના એક જ વિસ્તારમાં લાઈનબદ્ધ દેખાય છે. મહત્વની વાત એ છે કે, આ માત્ર એક સુંદર દ્રશ્ય છે, તેની પૃથ્વી પર કોઈ નકારાત્મક અસર પડતી નથી.
ભારતમાં કયા સમયે દેખાશે?
જો તમે આ નજારો માણવા માંગતા હોવ, તો તમારે વહેલી સવારે જાગવું પડશે.
શ્રેષ્ઠ સમય: સૂર્યોદયના લગભગ 30 મિનિટ પહેલા આકાશ તરફ જોવાનું શરૂ કરો.
સમયગાળો: ભારતીય સમય મુજબ સવારે 5:00 થી 5:50 (IST) દરમિયાન આ ગ્રહો સૌથી વધુ સ્પષ્ટ દેખાશે.
આ સમયે બુધ ગ્રહ સૌથી તેજસ્વી હોવાને કારણે સરળતાથી દેખાશે, જ્યારે શનિ ગ્રહ ક્ષિતિજ પર નીચે હોવાથી સૂર્યના પ્રકાશમાં અદ્રશ્ય થાય તે પહેલાં જોવો જરૂરી છે.
દક્ષિણ ભારતને મળશે વિશેષ ફાયદો
ભારતમાં આ નજારો દરેક સ્થળેથી અલગ-અલગ તીવ્રતા સાથે દેખાશે. બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ અને કોચી જેવા દક્ષિણ ભારતના શહેરોમાં આ દ્રશ્ય વધુ સ્પષ્ટ દેખાશે, કારણ કે આ શહેરો ભૂમધ્યરેખાની નજીક છે. તેની સરખામણીમાં દિલ્હી અને ચંડીગઢ જેવા ઉત્તર ભારતના શહેરોમાં ગ્રહો થોડા નીચા દેખાઈ શકે છે. વળી, ઉત્તર ભારતમાં પ્રદૂષણને કારણે પણ દ્રશ્યતા ઓછી હોઈ શકે છે, જ્યારે એપ્રિલમાં આકાશ સ્વચ્છ રહેતું હોવાથી દક્ષિણ ભારતમાં વ્યૂ બેસ્ટ મળશે.
સાંજે પણ જોવા મળશે એક ખાસ નજારો
જો તમે સવારે વહેલા ઉઠી શકતા નથી, તો નિરાશ થવાની જરૂર નથી. 18 એપ્રિલની સાંજે સૂર્યાસ્ત પછી, આશરે 7:30 વાગ્યે પશ્ચિમ દિશામાં આકાશમાં અર્ધચંદ્રાકાર ચંદ્ર અને તેજસ્વી શુક્ર ગ્રહ એકસાથે જોવા મળશે. આ નજારો માણવા માટે તમારે કોઈ ખાસ સાધનની જરૂર નથી, માત્ર ખુલ્લા આકાશ નીચે જઈને પશ્ચિમ દિશામાં જોવાનું રહેશે.
ખગોળપ્રેમીઓ માટે આ એપ્રિલ મહિનો યાદગાર રહેવાનો છે. સવારે 4 ગ્રહોની જુગલબંદી અને સાંજે ચંદ્ર-શુક્રનો સંગાથ કુદરતની અજાયબી સમાન છે. તો તૈયાર થઈ જાઓ આ અદભૂત નજારો પોતાની આંખે નિહાળવા માટે!











