ભક્તોએ દર્શનનો લાભ લીધો અને પ્રસાદનો લહાવો માણ્યો : હજારો ભક્તો યાત્રામાર્ગે ફૂલો વરસાવતા, ભજન-કીર્તન કરતા રથના દર્શન લેવા ઉમટી પડ્યા

અમદાવાદ, શુક્રવાર : અમદાવાદમાં આજે ઉજવાઈ રહેલી 148મી ભગવાન જગન્નાથ રથયાત્રા ભક્તિ, ભવ્યતા અને ભરૂસાથી યુક્ત રહી. અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પોતાના મોસાળ સરસપુરની ભવ્ય યાત્રાએ નીકળ્યા ત્યારે શહેર ભક્તિમય બની ઉઠ્યું. ‘જય રણછોડ, માખણચોર’ના નાદ સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નીકળેલા રથમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો અને પ્રસાદનો લહાવો માણ્યો.આ સંવેદનાત્મક ક્ષણ દરમિયાન ખાડિયા વિસ્તારમાં DJના ભારે અવાજના કારણે ત્રણ હાથીઓ થોડી ક્ષણ માટે બેકાબૂ થયા, પરંતુ પોલીસ અને મહાવતની ચુસ્ત કામગીરીથી તાત્કાલિક સ્થિતિ સંભાળવામાં આવી અને મોટી દુર્ઘટના ટળી. આ ઘટનાને બાદ કરો તો સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય રીતે આગળ વધી.
જેમજ જેમ યાત્રા સરસપુર તરફ ધીમે ધીમે આગળ વધી, તેમ તેમ ભક્તોની ભક્તિ અને ઉત્સાહનું ઘોડાપૂર પણ વધતું ગયું. હજારો ભક્તો યાત્રામાર્ગે ફૂલો વરસાવતા, ભજન-કીર્તન કરતા રથના દર્શન લેવા ઉમટી પડ્યા. સરસપુર ખાતે ભગવાનનું મામેરું યોજાયું જ્યાં અઢી હજારથી વધુ સાધુ-સંતોએ પણ હાજરી આપી.આ યાત્રા માત્ર એક ધાર્મિક ઉજવણી નહીં, પણ એક સાંસ્કૃતિક પર્વ, ભક્તિ અને ભાઈચારાની અનોખી છબી બની રહી. અમદાવાદ ફરી એકવાર સાબિત કર્યું કે અહીં રથયાત્રા માત્ર પરંપરા નથી, તે આત્માની આરાધના છે. મહત્ત્વપૂર્ણ છે કે, દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નિજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નિજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવશે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા પહેલા જળયાત્રા, નેત્રોત્સવ વિધિ યોજાઈ ચૂકી છે.











