તંત્ર અને સ્થાનિક લોકો વારંવાર અપીલ કરે છે કે કેનાલના કિનારે ઉભા રહેતી વખતે ખાસ કરીને વરસાદની સિઝનમાં વધુ સાવચેત રહો. કોઈપણ પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.

ગાંધીનગર, શુક્રવાર
દહેગામ-નરોડા હાઈવે પર રાયપુર ગામ પાસે નર્મદા કેનાલ નજીક એક મોટી દુર્ઘટના ટળતાં રહી ગઈ. એક દંપતી કેનાલ પર ફૂલ પધરાવવા આવ્યું હતું ત્યારે પતિનો પગ અચાનક લપસી જતાં તે કેનાલના ઊંડા પાણીમાં ખાબક્યો હતો.
બનાવની વિગતે વાત કરીએ તો, રાયપુર ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પર આ ઘટના બની હતી. યુવક પાણીમાં પડતા જ તેની પત્નીએ બુમાબુમ કરી આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા હતા. સદભાગ્યે તે સમયે બ્રિજ ટેસ્ટિંગનું કામ ચાલતું હોવાથી નજીકમાં જ ફાયર બ્રિગેડની ટીમ હાજર હતી. વિડીયો જોવા અહીં ક્લિક કરો.
પત્નીની બૂમો સાંભળી ફાયર બ્રિગેડના જવાનો તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા અને સમયસૂચકતા વાપરી યુવકને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો. ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહી અને સમયસરની હાજરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો.
કેનાલ પર જતી વખતે આ ભૂલ ન કરશો
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે કેનાલ કે નદી કિનારે જતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. ઘણીવાર લોકો બેદરકારીથી વર્તીને જોખમ વહોરી લેતા હોય છે. આ કિસ્સામાં યુવકનું નસીબ સારું હતું કે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં હાજર હતી, પરંતુ દરેક વખતે આવું નસીબ સાથ નથી આપતું.











