પોલીસે જયદીપસિંહની ધરપકડ કરી લીધી છે અને તેને વધુ કાર્યવાહી માટે માણસા પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ 2ની પેરોલ ફર્લો સ્કોર્ડે દારૂના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપીને ઝડપી પાડ્યો છે. નાયબ રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
LCB-2ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. પરમારની ટીમે નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવી હતી. આ દરમિયાન, પેરોલ ફર્લો સ્કોર્ડના PSI બી.એચ. ઝાલાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ટીમે ગાંધીનગરના લીબોદરા ગામેથી જયદીપસિંહ ઉર્ફે બિલ્લો રામસિંહ દેવલ નામના આરોપીને દબોચી લીધો હતો.
જયદીપસિંહ માણસા અને સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા બે કેસમાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો. તે પોતાની ઓળખ છુપાવીને લીબોદરા ગામના દેવલ પાર્કમાં રહેતો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપીનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાનું ભીલાચલ ગામ છે.
પોલીસની કાર્યવાહી
પોલીસે જયદીપસિંહની ધરપકડ કરી લીધી છે અને તેને વધુ કાર્યવાહી માટે માણસા પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ધરપકડથી ગાંધીનગર પોલીસને દારૂબંધીના કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવામાં મોટી સફળતા મળી છે.











