આ કલા મહાકુંભ કલા અને સંસ્કૃતિના વારસાને જીવંત રાખવા અને નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે એક અદભુત પહેલ છે.

ગાંધીનગર, શુક્રવાર
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત કલા મહાકુંભ 2025 માટે રજીસ્ટ્રેશનની ઓફલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના નેજા હેઠળ આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલાકારોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એક શાનદાર પ્લેટફોર્મ મળશે.
આ વર્ષે કલા મહાકુંભનું આયોજન ઝોન કક્ષા, મહાનગર કક્ષા, તાલુકા અને જિલ્લા કક્ષા તેમજ પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષાએ થવાનું છે. આ મેગા ઇવેન્ટમાં કુલ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ચાર અલગ-અલગ વય જૂથોમાં વિભાજિત છે: 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ, અને 60 વર્ષથી ઉપરના કલાકારો.
કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે?
તાલુકા કક્ષાએથી શરૂ થતી 14 કૃતિઓ
* સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ
સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી 09 કૃતિઓ
* સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), ઓરગન,
સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી 07 સ્પર્ધાઓ
* ઓડીસી, મોહિનીઅટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી
સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થતી 07 સ્પર્ધાઓ
* પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો
રજીસ્ટ્રેશન ક્યાં અને ક્યારે કરવું?
રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની તારીખ 20/07/2025 છે. આ માટે ઇચ્છુક કલાકારો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સી-વિંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, સેક્ટર-11, ગાંધીનગર ખાતેથી રૂબરૂ વિગતવાર માહિતી અને ફોર્મ મેળવી શકશે.











