ADRના લેટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો! છેલ્લા 10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિ 110% વધીને ડબલ થઈ ગઈ છે. અમીર સાંસદોના લિસ્ટમાં ગુજરાતના કયા નેતા છે? જાણો વિગતે.

અમદાવાદ, ગુરૂવાર
સામાન્ય માણસની આવક વધે કે ન વધે, પરંતુ આપણા જનપ્રતિનિધિઓ એટલે કે નેતાઓની સંપત્તિમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. આ વાત અમે નથી કહેતા, પરંતુ ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR) અને ‘નેશનલ ઈલેક્શન વોચ’ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 7 જાન્યુઆરી, 2026ના રોજ રજૂ કરાયેલા આ રિપોર્ટના આંકડા જોઈને મતદારો ચોંકી ઉઠ્યા છે.
આ રિપોર્ટમાં એવા 102 સાંસદોની વાત કરવામાં આવી છે જેઓ 2014થી લઈને 2024 સુધી સતત ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા છે. છેલ્લા 10 વર્ષમાં આ સાંસદોની સંપત્તિમાં સરેરાશ 110%નો જંગી વધારો નોંધાયો છે.
સંપત્તિમાં સરેરાશ 17 કરોડ રૂપિયાનો વધારો
ADR દ્વારા 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન આ 102 સાંસદોએ રજૂ કરેલા સોગંદનામા (Affidavits)નો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં નીચે મુજબની વિગતો સામે આવી છે:
2014: આ 102 સાંસદોની સરેરાશ સંપત્તિ 15.76 કરોડ રૂપિયા હતી.
2019: માત્ર 5 વર્ષમાં આ આંકડો વધીને 24.21 કરોડ રૂપિયા થયો.
2024: 2024 આવતા સુધીમાં સરેરાશ સંપત્તિ વધીને સીધી 33.13 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ.
સરળ ભાષામાં કહીએ તો, છેલ્લા 10 વર્ષમાં એક સાંસદની સંપત્તિમાં સરેરાશ 17.36 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જે સીધી રીતે 110%ની વૃદ્ધિ દર્શાવે છે.
સૌથી વધુ કમાણી કરનારા સાંસદોમાં ગુજરાતનું નામ
સંપત્તિ વધારવાની રેસમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના સાંસદો સૌથી આગળ છે. રિપોર્ટમાં ટોપ-10 સાંસદોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્રના સતારાના સાંસદ ટોચ પર છે, જ્યારે ગુજરાતના જામનગરના સાંસદ બીજા ક્રમે છે. શ્રીમંત છત્રપતિ ઉદયનરાજે ભોંસલે (ભાજપ – મહારાષ્ટ્ર): આ લિસ્ટમાં તેઓ પહેલા નંબરે છે. 2014માં તેમની પાસે 60.60 કરોડની સંપત્તિ હતી, જે 2024માં વધીને 223.12 કરોડ થઈ ગઈ છે. એટલે કે તેમની સંપત્તિમાં 162.51 કરોડનો વધારો થયો છે.
પૂનમબેન માડમ (ભાજપ – જામનગર, ગુજરાત): ગુજરાત માટે આ ગૌરવ કહો કે આશ્ચર્ય, જામનગરના સાંસદ પૂનમબેન માડમ આ યાદીમાં બીજા ક્રમે છે. 2014માં તેમની સંપત્તિ 17.43 કરોડ હતી, જે વધીને 2024માં 147.70 કરોડ થઈ ગઈ છે. 10 વર્ષમાં તેમની સંપત્તિમાં કુલ 130.26 કરોડનો તોતિંગ વધારો થયો છે. પી. વી. મિધુન રેડ્ડી (YSRCP): આંધ્રપ્રદેશના આ સાંસદ ત્રીજા ક્રમે છે, જેમની સંપત્તિમાં 124.25 કરોડનો વધારો નોંધાયો છે.
કયા પક્ષના નેતાઓની સંપત્તિ કેટલી વધી?
પક્ષ પ્રમાણે જોઈએ તો દરેક પાર્ટીના નેતાઓની સંપત્તિમાં વધારો થયો છે. અહીં પક્ષ મુજબની સરેરાશ ટકાવારી આપી છે:
AIMIM: આ પક્ષના 1 સાંસદની સંપત્તિમાં સૌથી વધુ 488%નો ઉછાળો આવ્યો છે.
કોંગ્રેસ (INC): ફરીથી ચૂંટાયેલા 8 કોંગ્રેસી સાંસદોની સંપત્તિમાં સરેરાશ 135%નો વધારો થયો છે.
ભાજપ (BJP): સત્તાધારી પક્ષના 65 સાંસદો ફરી ચૂંટાયા છે, જેમની સંપત્તિમાં 108%નો વધારો જોવા મળ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસ (AITC): મમતા બેનર્જીની પાર્ટીના 11 સાંસદોની સંપત્તિ સરેરાશ 86% વધી છે.
રિપોર્ટનો ઉદ્દેશ્ય શું છે?
ADR દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવાનો મુખ્ય હેતુ મતદારોને જાગૃત કરવાનો છે. જ્યારે તમે વોટ આપવા જાઓ ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની આર્થિક સ્થિતિ કેવી બદલાઈ રહી છે. આ તમામ માહિતી ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ કરેલા સોગંદનામાના આધારે જ તૈયાર કરવામાં આવી છે.











