અમદાવાદ ગ્રામીણ પોલીસે 3 કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જાણો શું છે આ તરતું સોનું, શા માટે હોય છે આટલું મોંઘું અને તેને વેચવા પર શું છે સજા? વાંચો સંપૂર્ણ અહેવાલ.

અમદાવાદ, ગુરૂવાર
સામાન્ય રીતે સોનું જમીનમાંથી નીકળે છે, પણ દરિયામાં તરતી એક વસ્તુ એવી છે જેની કિંમત સોના કરતા પણ વધારે હોય છે. જેને દુનિયા તરતું સોનું કહે છે. આવી જ કરોડોની કિંમતી વસ્તુ સાથે અમદાવાદમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામીણ જિલ્લાની વિવેકાનંદનગર પોલીસે વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસની હેરાફેરી કરતા એક વેપારીને ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડોમાં બોલાય છે.
બાતમીના આધારે વોચ ગોઠવી અને આરોપી ઝડપાયો
પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે હાથીજણ-મહેમદાબાદ રોડ પરથી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થવાની છે. આ બાતમીના આધારે પોલીસે શ્રીજી હોસ્પિટલ નજીક વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી વખતે એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવીને તપાસ કરતા મોટો ભાંડો ફૂટ્યો હતો.
આરોપીની ઓળખ રાજેશ બાબુભાઈ બલાર (પટેલ) તરીકે થઈ છે. 42 વર્ષીય રાજેશ વ્યવસાયે વેપારી છે અને હાલ સુરતમાં રહે છે, પરંતુ તે મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે.
3.06 કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપી પાસેથી જે પદાર્થ જપ્ત કર્યો હતો, તેની ખરાઈ કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને FSLના અધિકારીઓની મદદ લેવામાં આવી હતી. તપાસ બાદ અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આ પદાર્થ બીજું કઈ નહીં પણ અતિ કિંમતી એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી) છે.
પોલીસે આરોપી પાસેથી કુલ 3.18 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે 3.01 કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત 5 લાખની કિંમતની કાર અને 5000 રૂપિયાનો મોબાઈલ મળીને કુલ 3.06 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
શું છે આ તરતું સોનું અને કેમ છે આટલું મોંઘું?
લોકો જેને સામાન્ય રીતે વ્હેલની ઉલટી કહે છે, તેને વૈજ્ઞાનિક ભાષામાં એમ્બરગ્રીસ કહેવાય છે. તે સ્પર્મ વ્હેલ માછલીના પાચનતંત્રમાં બનતો એક મીણ જેવો પદાર્થ છે. જ્યારે વ્હેલ દરિયામાં ઘણા જીવોને ખાય છે, ત્યારે અમુક અપાચ્ય પદાર્થો તેના આંતરડામાં ભેગા થઈને આ સ્વરૂપ ધારણ કરે છે.
ઉપયોગ: આ પદાર્થનો સૌથી મોટો ઉપયોગ મોંઘા પરફ્યુમ બનાવવામાં થાય છે. એમ્બરગ્રીસને કારણે સુગંધ લાંબા સમય સુધી ટકી રહે છે. આ સિવાય દવાઓમાં અને જાતીય શક્તિ વધારવા માટે પણ તેનો ઉપયોગ થતો હોવાની માન્યતા છે. આ વસ્તુ ખૂબ જ દુર્લભ છે, તેથી તેની કિંમત આસમાને હોય છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં 1 કિલો એમ્બરગ્રીસની કિંમત 1 થી 2 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. મધ્ય પૂર્વ અને યુરોપના દેશોમાં તેની ભારે માંગ છે.
કાયદાકીય જોગવાઈ અને સજા
ભારતમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રાણી છે. જેમ વાઘ કે સિંહનો શિકાર ગુનો છે, તેમ વ્હેલ માછલીના કોઈપણ અંગ કે તેના શરીરમાંથી નીકળતા પદાર્થોનું વેચાણ કરવું પણ ગંભીર ગુનો બને છે. આ કેસમાં શિડ્યુલ 1 મુજબ ગુનો નોંધાય છે. જો આરોપી દોષિત સાબિત થાય તો તેને ઓછામાં ઓછી 3 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
મોટું નેટવર્ક હોવાની આશંકા
પોલીસને શંકા છે કે આ માત્ર એકલદોકલ ઘટના નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવા પ્રતિબંધિત પદાર્થો લાવવા અને તેને વેચવા પાછળ એક મોટું સંગઠિત નેટવર્ક (સિન્ડિકેટ) કામ કરતું હોઈ શકે છે. હાલ વિવેકાનંદનગર પોલીસે રાજેશ બલાર સામે ગુનો નોંધીને, તે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.











