અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર વાર્ષિક ફ્લાવર શોની ટિકિટના નવા ભાવ જાહેર. સામાન્ય ટિકિટ 80 અને વીકેન્ડમાં 100. જાણો VIP એન્ટ્રી, બાળકો અને વિદ્યાર્થીઓ માટેના દર વિશેની સંપૂર્ણ માહિતી.

અમદાવાદ, બુધવાર
Ahmedabad Flower Show: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે શિયાળામાં આયોજિત થતા અને લાખો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા ‘ફ્લાવર શો’ને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ વર્ષના ફ્લાવર શો માટે ટિકિટના દરોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષની તુલનામાં ટિકિટના ભાવમાં વધારો કરાયો છે, જોકે બાળકો, વિદ્યાર્થીઓ અને દિવ્યાંગો માટે રાહતો પણ યથાવત રાખવામાં આવી છે.
ટિકિટના નવા દર શું છે?
AMC દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ, આ વર્ષે ફ્લાવર શોની ટિકિટના ભાવમાં સામાન્ય દિવસો માટે 10 નો વધારો કરાયો છે.
* સામાન્ય દિવસો (સોમવારથી શુક્રવાર): 12 વર્ષથી વધુ ઉંમરના મુલાકાતીઓ માટે ટિકિટનો દર 80 રહેશે.
* વીકેન્ડ અને જાહેર રજાઓ (શનિ-રવિ): રજાના દિવસોમાં મુલાકાતીઓ માટે ટિકિટનો દર 100 નક્કી કરવામાં આવ્યો છે.
VIP અનુભવ માટે ‘પ્રાઈમ સ્લોટ’ની સુવિધા
જે લોકો ભીડ વગર શાંતિથી ફ્લાવર શોનો આનંદ માણવા માંગે છે, તેમના માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ‘પ્રાઈમ સ્લોટ’ની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.
* પ્રાઈમ સ્લોટનો સમય: સવારે 9:00થી 10:00 અને રાત્રે 10:00થી 11:00.
* પ્રાઈમ સ્લોટની ટિકિટ: આ ખાસ સમયગાળામાં પ્રવેશ માટે ટિકિટનો દર 500 રાખવામાં આવ્યો છે.
કોને મળશે મફત પ્રવેશ અને વિશેષ છૂટ?
AMC દ્વારા અમુક વર્ગના નાગરિકો અને બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક અથવા રાહત દરે રાખવામાં આવ્યો છે, જેની વિગતો નીચે મુજબ છે:
* બાળકો: 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રવેશ સંપૂર્ણપણે મફત છે.
* સૈનિકો અને દિવ્યાંગો: દેશના સૈનિકો અને દિવ્યાંગ નાગરિકો પણ કોઈ પણ શુલ્ક વિના ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે.
* AMC શાળાના વિદ્યાર્થીઓ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે.
* અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ: અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ જો શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે સોમવારથી શુક્રવાર દરમિયાન (સવારે 9:00થી બપોરે 1:00 વાગ્યા સુધી) આવે, તો તેમના માટે ટિકિટનો દર માત્ર 10 રાખવામાં આવ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોમાં દેશ-વિદેશના ફૂલોમાંથી બનેલી વિવિધ આકૃતિઓ અને થીમ્સ મુખ્ય આકર્ષણ રહેશે. જોકે, ટિકિટના ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર થોડી અસર પડી શકે છે.











