અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં બ્રિજ રિપેરિંગ પાછળ 35 કરોડ ખર્ચાયા, છતાં સુભાષ બ્રિજ બંધ કરવાની ફરજ પડી. જુલાઈમાં ઓકે રિપોર્ટ આપનારી એજન્સી અને તંત્રની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો. વાંચો કયા બ્રિજ પાછળ કેટલો ખર્ચ થયો તેનો સંપૂર્ણ અહેવાલ.

અમદાવાદ, ગુરૂવાર
અમદાવાદ શહેરમાં વાહનવ્યવહાર માટે મહત્વની કડી સમાન બ્રિજની જાળવણી અને મરામતને લઈને હાલમાં મોટા સવાલો ઉભા થયા છે. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 5 વર્ષમાં શહેરના વિવિધ 36 બ્રિજના રિપેરિંગ અને કલરકામ પાછળ 35 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ શહેરના મહત્વના ગણાતા સુભાષ બ્રિજને સલામતીના કારણોસર બંધ કરવાની ફરજ પડી છે. પ્રજાના પૈસાના આડેધડ ખર્ચ બાદ પણ પરિણામ શૂન્ય દેખાતા કરદાતાઓ આશ્ચર્યમાં મુકાયા છે.
સૌથી તાજો અને ગંભીર મુદ્દો સુભાષ બ્રિજનો છે. આ બ્રિજ ગત 4 ડિસેમ્બરથી તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ, 25 ડિસેમ્બર સુધી તો આ બ્રિજ ખૂલવાની કોઈ જ શક્યતા નથી. નવાઈની વાત એ છે કે, આ બ્રિજ બંધ કરાયો તે પહેલાં જ તેની ફૂટપાથ રિપેર કરવા અને થીકસ ટ્રોપિક પેચવર્ક કરવા માટે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અહીં પ્રશ્ન એ થાય છે કે જ્યારે 25 લાખના ખર્ચે ફૂટપાથ રિપેર થઈ રહી હતી, ત્યારે બ્રિજની ગંભીર હાલત કેમ કોઈ અધિકારી કે ઈજનેરના ધ્યાનમાં ન આવી? શું માત્ર ઉપરછલ્લું કામ કરીને સંતોષ માની લેવામાં આવ્યો હતો?
કોર્પોરેશનના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ અહીં સ્પષ્ટ દેખાય છે. તંત્ર દાવો કરે છે કે તેમણે ચોમાસા પહેલા અને પછી (બિફોર અને આફ્ટર મોન્સુન) શહેરના 67 બ્રિજનું ઈન્સપેકશન કર્યું હતું. જુલાઈ મહિનામાં સુભાષ બ્રિજના ઈન્સપેકશન રિપોર્ટમાં એજન્સીએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે બ્રિજ ‘સારી કન્ડિશન’માં છે. હવે સવાલ એ છે કે જો જુલાઈમાં બ્રિજ સારો હતો, તો માત્ર 5 મહિનામાં એવી કઈ ગંભીર ખામી સર્જાઈ કે બ્રિજ બંધ કરવો પડ્યો? આટલા મોટા ખર્ચ અને ઇન્સ્પેક્શન બાદ પણ મુખ્ય બ્રિજ પર ગંભીર ક્ષતિ બહાર આવવી તે તંત્રની કામગીરી શંકાના દાયરામાં લાવે છે.
છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેશને બ્રિજની આવરદા વધારવાના નામે જે 35 કરોડ વાપર્યા છે, તેનું વિવરણ જોઈએ તો આંખો પહોળી થઈ જાય તેમ છે. શહેરના અલગ-અલગ વિસ્તારના બ્રિજ પાછળ લાખો અને કરોડોનો ખર્ચ થયો છે. જેમાં સૌથી વધુ ખર્ચ વેજલપુર રેલવે બ્રિજ પર થીકસ ટ્રોપિક પેચવર્ક માટે 3.5 કરોડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નહેરુ બ્રિજ પાછળ 3 કરોડ, આંબેડકર બ્રિજ પાછળ 2.5 કરોડ, જ્યારે કાલુપુર, સારંગપુર, જગજીવન, ચીમનભાઈ અને ચાંદલોડિયા બ્રિજ પાછળ પ્રત્યેક બ્રિજ દીઠ 2 કરોડ રૂપિયાનો ખર્ચ ચોપડે બોલે છે.
આ ઉપરાંત અન્ય ખર્ચની વિગતો જોઈએ તો, સરદાર બ્રિજ (જૂનો) પાછળ 1.5 કરોડ અને નવા સરદાર બ્રિજ પાછળ 1 કરોડ વપરાયા છે. એલિસ બ્રિજ (નવો) પર 1.5 કરોડ, ગાંધી બ્રિજ (જૂનો) પર 2 કરોડ અને ગાંધી બ્રિજ (નવો)ના બેરીંગ રિપ્લેસમેન્ટ પાછળ 0.75 કરોડ ખર્ચાયા છે. નાના રિપેરિંગ જેવા કે અખબારનગર (0.35 કરોડ), ઇન્કમટેક્સ (0.1 કરોડ), અને ઉસ્માનપુરા (0.5 કરોડ) કેચડ્રેઈન રિપેરિંગ પાછળ પણ લાખોની રકમ વપરાઈ છે. આમ, 36 બ્રિજ પાછળ કુલ 35 કરોડ વપરાઈ ગયા હોવા છતાં, આજે નાગરિકોને ટ્રાફિક અને બ્રિજ બંધ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે તંત્રના આયોજન સામે મોટો પ્રશ્ન છે.











