અમદાવાદમાં જોધપુર PG દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે કસ્ટડીમાંથી ભાગવા માટે પોલીસ પર હુમલો કરી રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરતા પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને પગમાં ગોળી મારીને ઝડપી લીધો છે અને સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

અમદાવાદ શહેરના અત્યંત ચર્ચિત અને સંવેદનશીલ એવા જોધપુર પીજી (PG) દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી ધર્મસિંહે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા માટે મોટો અને જોખમી પ્રયાસ કર્યો હતો. મધરાતે હેબતપુર વિસ્તારમાં પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક આરોપીએ પોલીસ કાફલા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. પોલીસ કર્મચારીઓની સરકારી રિવોલ્વર છીનવીને ભાગી છૂટવાની તેની આ નાપાક કોશિશ સામે પોલીસે પણ તાત્કાલિક સ્વબચાવ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારીને તેને પકડી પાડ્યો હતો.
પોલીસ કાર્યવાહી
ગોળી વાગતાની સાથે જ આરોપી ધર્મસિંહ જમીન પર ઢળી પડ્યો હતો અને તેના પગમાંથી લોહી વહેવા લાગ્યું હતું. ત્યારબાદ પોલીસકર્મીઓ દ્વારા ઇજાગ્રસ્ત આરોપી અને ઘાયલ પોલીસકર્મી બંનેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ સ્ટ્રેચર પર સૂતેલા અને લંગડાતા ચાલતા આરોપીની અક્કડાઈ ગાયબ થઈ ગઈ હતી અને તેણે પોલીસ સમક્ષ હાથ જોડીને કરગરવાનું શરૂ કરી દીધું હતું. તેણે રડતા-રડતા માફી માંગતા કહ્યું હતું કે, “સાહેબ હવે પછી આવું ક્યારેય નહીં કરું, મને એકવાર માફ કરી દો…”
ઉચ્ચ અધિકારીઓની દોડધામ
આજની આ સનસનાટીભર્યા ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ અમદાવાદ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ અગાઉ દુષ્કર્મનો ગુનો તો નોંધાયેલો જ હતો, પરંતુ હવે પોલીસ પર હુમલો કરવા, સરકારી હથિયાર છીનવવાનો પ્રયાસ કરવા અને ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક નવો ગંભીર ગુનો નોંધવામાં આવશે. હાલમાં પોલીસ જવાન અને આરોપી બંનેની સુરક્ષા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ સઘન સારવાર ચાલી રહી છે.











