ખોખરાના ભાઈપુરામાં ભરત કદમ પર દંડા, પાઇપ અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો થયાનો આક્ષેપ; ખોખરા પોલીસમાં ફરિયાદ

અમદાવાદ: ખોખરાના ભાઈપુરા વિસ્તારમાં રસ્તાના ખાડા અંગે ચેતવણી આપવાનું એક યુવકને ભારે પડ્યું હોવાની ઘટના સામે આવી છે. ભગવાનદાસની ચાલી પાસે ભરત કદમ નામના યુવક પર કેટલાક શખ્સોએ દંડા, પાઇપ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ભાઈપુરાની ભગવાનદાસની ચાલી ખાતે રહેતા ભરતભાઈ કદમ છૂટક મજૂરી કામ કરે છે. ઘટનાના એક દિવસ પહેલા તેઓ પોતાના ઘરની બહાર ખાટલો રાખીને બેઠા હતા. દરમિયાન યાદવનગરમાં રહેતો અભિષેક ઠાકુર ટુ-વ્હીલર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.
આ સમયે રસ્તા પર ખાડો હોવા તેમજ આગળ રસ્તો બંધ હોવાની જાણ ભરતભાઈએ અભિષેકને કરી હતી. આ વાતને લઈને અભિષેક ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, તે સમયે ભરતભાઈએ મામલો થાળે પાડ્યો હતો અને પોલીસ ફરિયાદ કરી નહોતી.
આ ઘટનાની અદાવત રાખીને બીજા દિવસે અભિષેક ઠાકુર પોતાના કેટલાક સાગરીતો સાથે ટુ-વ્હીલર પર ત્યાં પહોંચ્યો હોવાનો આક્ષેપ છે. ભરતભાઈ ચાલી સામે એક્ટિવા પર બેઠા હતા ત્યારે શખ્સોએ તેમની સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં દંડા, પાઇપ તથા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

હુમલામાં ઈજાગ્રસ્ત ભરતભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
ઘટના અંગે ભરતભાઈએ અભિષેક ઠાકુર સહિતના શખ્સો સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે.











