અમદાવાદ પ્લેન ક્રેશ: ‘તમે ઇંધણ કેમ બંધ કર્યું…?’, પાયલટ્સ વચ્ચેની વાતચીત રિપોર્ટમાં આવી સામે

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ. ટેકઓફના માત્ર ત્રણ સેકન્ડમાં ઇંધણ પુરવઠો બંધ થવાથી વિમાન ક્રેશ થયું. રિપોર્ટમાં વિમાન સાથે પક્ષી અથડાયાના કોઈ પુરાવા મળ્યા નથી.

અમદાવાદ, શનિવાર
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા 171 વિમાન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ શુક્રવારે મોડી રાત્રે આ અકસ્માતનો 15 પાનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ઇંધણ પુરવઠો બંધ થયા પછી તરત જ થ્રસ્ટ ઓછો થવા લાગ્યો અને વિમાન નીચે પડવા લાગ્યું હતું.

ટેકઓફના 3 સેકન્ડમાં શું થયું?
AAIB રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વિમાનના ટેકઓફના માત્ર 3 સેકન્ડ પછી, પ્લેનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ‘રન’ પોઝિશનમાંથી ‘કટઓફ’ પોઝિશન પર ગઈ હતી. આના કારણે બંને એન્જિનને ઇંધણ મળવાનું બંધ થઈ ગયું અને તે બંધ પડી ગયા હતા. મહત્વનું છે કે, રિપોર્ટમાં વિમાન સાથે પક્ષી અથડાયાના કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, સ્વીચ કટઓફની સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પાયલટ્સ વચ્ચેની ચોંકાવનારી વાતચીત
AAIB રિપોર્ટ અનુસાર, વિમાનના કોકપીટ વોઇસ રેકોર્ડરમાં પાયલટ્સ વચ્ચેની વાતચીત રેકોર્ડ થઈ છે. જેમાં એક પાયલટ બીજાને પૂછતો સાંભળી શકાય છે કે, ‘તમે ઇંધણ કેમ બંધ કર્યું?’ જેના જવાબમાં બીજા પાયલટે કહ્યું કે, ‘તેણે આવું નથી કર્યું.’ રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કઈ ટિપ્પણી વિમાનના કેપ્ટન દ્વારા કરવામાં આવી હતી અને કઈ પ્રથમ અધિકારી દ્વારા, કે કયા પાયલટે અકસ્માત પહેલા ‘મેડે, મેડે, મેડે’ નો મેસેજ પ્રસારિત કર્યો હતો.

દુર્ઘટનામાં 241 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું આ વિમાન ટેકઓફ થયાના માત્ર 35 સેકન્ડમાં જ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 1 મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો. આ રિપોર્ટ દુર્ઘટના પાછળના કારણોને વધુ સ્પષ્ટ કરવામાં મદદરૂપ થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!