દેશના સૌથી લાંબા મનાતા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની હકીકત કંઈક અલગ જ છે. 20 હોટસ્પોટના દાવા સામે માત્ર 3 જગ્યાએ જ નવા સ્ટોલ ઉભા કરાયા છે. જાણો તંત્રની વિરોધાભાસી નીતિ અને ગ્રાઉન્ડ રિયાલિટી.

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદમાં હાલમાં જેને દેશ અને દુનિયાના સૌથી લાંબા શોપિંગ ફેસ્ટિવલ તરીકે ચિતરવામાં આવી રહ્યો છે, તે Ahmedabad Shopping Festival 2025ની ચમક પાછળ એક નિરાશાજનક ચિત્ર ઉપસી આવ્યું છે. તંત્ર દ્વારા મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા કે આ ફેસ્ટિવલ થકી નાના વેપારીઓ માટે રોજગારીનો નવો મંચ ઉભો થશે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા એવું લાગે છે કે શોપિંગ ફેસ્ટિવલના નામે માત્ર ધુપ્પલ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 ડિસ્ટ્રિક્ટ અને 20થી વધુ શોપિંગ હોટસ્પોટ ઉભા કરવાની ગુલબાંગો પોકારવામાં આવી હતી, પરંતુ જમીની હકીકત તપાસતા સામે આવ્યું છે કે આયોજનમાં ક્યાંક મોટો ફિયાસ્કો થયો છે.
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, વહીવટી તંત્ર દ્વારા જે 6 ડિસ્ટ્રિક્ટમાં નવી બજારો ઉભી કરવાની વાત હતી, તેમાંથી 6માંથી 3 જગ્યાએ તો કોઈ નવી બજાર જ ઉભી કરાઈ નથી. હકીકતમાં, માત્ર નિકોલ, એસબીઆર (SBR) રોડ અને વસ્ત્રાપુર – આ 3 જગ્યાઓ પર જ બહારગામના નાના વેપારીઓ અને હસ્તકલાના કારીગરો માટે 150થી 200 જેટલા સ્ટોલ ભાડે આપીને વિશેષ બજાર ઉભું કરાયું છે. બાકીની જગ્યાઓ જેવી કે કાંકરિયા, રામબાગ રોડ અને લો ગાર્ડન ખાતે વર્ષોથી ધમધમતી જૂની દુકાનોને જ ફેસ્ટિવલનો ભાગ ગણાવી દેવામાં આવી છે. આમ, નવું પ્લેટફોર્મ આપવાના નામે જૂની વ્યવસ્થાને જ આગળ ધરી દેવામાં આવી છે.
તંત્રની નીતિઓમાં પણ ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર વોકલ ફોર લોકલ અને શોપ લોકલના નારા લગાવી રહી છે, તો બીજી તરફ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વિદેશી બ્રાન્ડ ધરાવતા મોટા શોપિંગ મોલને ખરીદીના હોટસ્પોટ તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યભરના નાના કારીગરો અને હસ્તકલાના કસબીઓને રોજગારી આપવાનો હતો, પરંતુ તંત્ર હવાઈ કિલ્લા બાંધવામાં જ વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે.
ઉપરાંત, આ ઉત્સવમાં કલાકારોની પણ ઘોર અવગણના થઈ રહી છે. શોપિંગ ફેસ્ટિવલના સ્થળે આયોજિત ગીત-સંગીતના કાર્યક્રમોમાં નવા અને ઉભરતા કલાકારોને માત્ર નામ પૂરતી જ તક આપવામાં આવી છે, જે પ્રોત્સાહનના અભાવને સ્પષ્ટ કરે છે. તંત્રએ શોપિંગ ડેસ્ટિનેશનના નામે જૂની બજારોમાં ફક્ત રોશની અને લાઈટ લગાવીને ઉત્સવ મનાવી લીધો છે. જે જગ્યાઓ વર્ષોથી ચાલે છે, તેવી કાંકરિયા, માણેકચોક, રતનપોળ, સીજી રોડ અને લો ગાર્ડનની દુકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની યાદીમાં જોડી દીધી છે.
વાસ્તવિકતા એ છે કે, વર્ષોથી ચાલતી આવી 8500 જેટલી દુકાનોને ફેસ્ટિવલમાં સમાવી લેવામાં આવી છે અને હવે આ દુકાનોમાં થતા રૂટિન વેચાણને તંત્ર શોપિંગ ફેસ્ટિવલની સફળતા તરીકે ખપાવવાનો પ્રયાસ કરશે. આ સમગ્ર આયોજન જોઈને સ્પષ્ટ થાય છે કે, નાના વેપારીઓને નવું પ્લેટફોર્મ આપવાના દાવા પોકળ સાબિત થયા છે અને ફેસ્ટિવલ માત્ર આંકડાઓની માયાજાળ બનીને રહી ગયો છે. જે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.











