અમદાવાદમાં ‘ઓપરેશન મ્યુલ હંટ’નો સપાટો: વાડજમાં દરોડો પાડી સાયબર ક્રાઇમે 162 ATM કાર્ડ સાથે 2 આરોપીને દબોચ્યા

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન મ્યુલ હંટ હેઠળ વાડજના સૌરાબજી એપાર્ટમેન્ટમાં દરોડો પાડી આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 162 ATM કાર્ડ જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. વાંચો વિગતવાર અહેવાલ.

અમદાવાદ, શુક્રવાર
ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા સાયબર ફ્રોડ અને ઓનલાઇન છેતરપિંડીના બનાવોને ડામવા માટે રાજ્ય પોલીસ દ્વારા એક વિશેષ મુહિમ છેડવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હંટ (Operation Mule Hunt) નામની આ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે. શહેરના વાડજ વિસ્તારમાં ધમધમતા એક શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ કરીને પોલીસે આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા રેકેટનો અંત આણ્યો છે. સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે વાડજમાં આવેલા સૌરાબજી એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી ભાડેના બેંક ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્સ) ઓપરેટ કરતી ગેંગ ઝડપાઈ છે. આ કાર્યવાહીમાં પોલીસે 162 ATM કાર્ડ અને 18 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી રોનીત ઉર્ફે ગણેશ ભિંદા અને લીના ભાટીયા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ સમગ્ર કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ પોતે ફરિયાદી બનીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વાડજ વિસ્તારમાં આવેલા સી/1 સૌરાબજી એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં કેટલીક વ્યક્તિઓ શંકાસ્પદ ગતિવિધિઓ ચલાવી રહી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું કે, આ ટોળકી ગરીબ, નિર્દોષ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક લાલચ આપીને તેમના અસલ દસ્તાવેજો મેળવતી હતી. ત્યારબાદ ખોટા રબર સ્ટેમ્પ અને બોગસ MSME સર્ટિફિકેટ્સનો ઉપયોગ કરી તેમના નામે અલગ-અલગ પેઢીઓના કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઇમ દ્વારા થતી છેતરપિંડી અને ઓનલાઇન ગેમ્બલિંગના કાળા નાણાંની હેરફેર માટે કરવામાં આવતો હતો.

પોલીસની તપાસમાં આ ગેંગની મોડસ ઓપરેન્ડી (કામ કરવાની પદ્ધતિ) ખૂબ જ ચોંકાવનારી નીકળી છે. આરોપીઓ એકવાર બેંકમાં ખાતું ખુલી જાય એટલે તેની ચેકબુક અને ATM કાર્ડ મેળવી લેતા હતા. ત્યારબાદ આ સાહિત્ય રિષભ જૈન નામના સાગરીત મારફતે કુરિયર દ્વારા મુખ્ય સૂત્રધારોને મોકલી આપવામાં આવતું હતું. આ આખા ખેલમાં આરોપીઓને એક બેંક ખાતા દીઠ રૂપિયા 10000થી વધુનું તગડું કમિશન મળતું હતું. પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ખાસ કરીને ફેડરલ બેંકના 153 કાર્ડ સહિત કુલ 162 એટીએમ કાર્ડ, 41 સીમકાર્ડ, બેંક પાસબુક અને લેપટોપ મળીને કુલ રૂપિયા 2.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ રેકેટના તાર માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતા સીમિત નથી, પરંતુ છેક વિદેશ સુધી ફેલાયેલા છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આરોપીઓ યુકે (UK) અને યુએસએ (USA)ના ઇન્ટરનેશનલ નંબરો પરથી ચાલતા વોટ્સએપ ગ્રુપો સાથે જોડાયેલા હતા. MEGGIE GROUP અને Professor bank Group નામના આ ગ્રુપોમાં માર્કો અને વિન ડીઝલ જેવા કોડનેમ ધરાવતા શખ્સો સૂચનાઓ આપતા હતા અને તેમના ઈશારે જ આર્થિક વ્યવહારો અને ખાતાઓની હેરાફેરી કરવામાં આવતી હતી. હાલમાં સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકો અને આંતરરાષ્ટ્રીય કનેક્શન સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!