હાટકેશ્વર બ્રિજ તોડવાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. માર્ચ 2022માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા આ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદનો સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બનેલો હાટકેશ્વર બ્રિજ આખરે તોડી પાડવાની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. 42 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજને તોડવા માટે 3.90 કરોડનો ખર્ચ કરાશે અને આ કામ મુંબઈની શ્રી ગણેશ કન્સ્ટ્રકશન નામની પેઢીને સોંપવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અલગ-અલગ સંસ્થાઓ પાસેથી બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ કરાવ્યા બાદ તે હલકી ગુણવત્તાનો સાબિત થતાં તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો.
બ્રિજ તોડવા માટે 3.90 કરોડનો ખર્ચ અને રિકવરી પ્લાન
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખે જણાવ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવા માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ કોઈ બિડર આવ્યા નહોતા. ત્યારબાદ માત્ર બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ચાર એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. તેમાંથી ત્રણ કંપનીઓ ટેકનિકલી ક્વોલિફાય થઈ.
આ ત્રણ કંપનીઓમાંથી શ્રી ગણેશ કન્સ્ટ્રકશન નામની કંપનીએ સૌથી ઓછો 7.90 કરોડનો અંદાજ આપ્યો હતો. જેમાંથી 3.90 કરોડના ખર્ચે બ્રિજ તોડવામાં આવશે અને બાકીના 4 કરોડ બ્રિજ તોડવાથી મળનાર સ્ટીલ વગેરે મટીરીયલની રિકવરીમાંથી મળશે. બ્રિજના ડિમોલિશનની મેથડોલોજી ટેન્ડર શરત મુજબ તેમના ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા બનાવવામાં આવી રહી છે.
IIT ગાંધીનગરની ભૂમિકા અને આગામી સમયરેખા
આઈ.આઈ.ટી ગાંધીનગરને પણ ડિમોલિશનની મેથડોલોજી તેમજ ડિઝાઇન ચકાસણી કરવા માટે ઓફર આપવામાં આવી છે. બ્રિજ તોડવાની કામગીરી પહેલા ટ્રાફિક સર્વે, જી.એ.ડી બનાવવાની કામગીરી અને ડિમોલિશનની મેથડોલોજીની તૈયારીઓ ચાલી રહી છે. ચોમાસા બાદ આ સમગ્ર પ્રક્રિયા શરૂ થશે અને આગામી 6 મહિનામાં આ બ્રિજ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે.
AMCના રિપોર્ટ્સ અને કાયદાકીય કાર્યવાહી
AMCએ જુદી-જુદી સંસ્થાઓ પાસે બ્રિજનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં બ્રિજ હલકી કક્ષાનો પુરવાર થયો હતો. આ મામલે હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય લોકો સામે IPC કલમ 406, 420, 120(B) અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં બાંધકામ સમયે યોગ્ય નીતિ-નિયમોનું પાલન ન થયું હોવાનો અને સિમેન્ટની ક્વોલિટી પણ યોગ્ય ન હોવાનો ઉલ્લેખ કરાયો હતો.











