એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ફરી ટેકનિકલ ખામી: જયપુરથી મુંબઈ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

એર ઇન્ડિયા દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ બાદ તમામ પ્રવાસીઓ માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેથી તેઓ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.

જયપુર, શુક્રવાર
એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામીઓનો સિલસિલો યથાવત છે. આજે વધુ એક ઘટનામાં, જયપુરથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-612 માં ટેકનિકલ ખામી સર્જાતા તેને જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઇટે બપોરે 2:01 વાગ્યે જયપુરથી ટેક-ઓફ કર્યું હતું, પરંતુ માત્ર 18 મિનિટમાં જ ખામીને કારણે તેને પાછા ફરવું પડ્યું.

પાયલટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
ફ્લાઇટમાં ખામી સર્જાતા મુસાફરોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, પાયલટે અદ્ભુત સમયસૂચકતા વાપરીને ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું, જેના કારણે તમામ મુસાફરો હેમખેમ રહ્યા હતા. આ ઘટના બાદ તાત્કાલિક એરપોર્ટ સ્ટાફ અને એર ઇન્ડિયાની ટીમે વિમાનની ટેકનિકલ તપાસ શરૂ કરી દીધી છે. પાયલટની કુશળતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં તાજેતરની ખામીઓના કિસ્સાઓ

23 જુલાઈ: દોહા જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તે કાલિકટ એરપોર્ટ પર બે કલાક પછી પરત ફરી હતી.

22 જુલાઈ: દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાના A-321 પ્લેનના ઓક્ઝિલરી પાવર યુનિટમાં આગ લાગી હતી. સદભાગ્યે, મુસાફરો અને ક્રૂ સુરક્ષિત હતા અને DGCA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

22 જુલાઈ: હોંગકોંગથી દિલ્હી આવેલી A-315 ફ્લાઇટના ઓક્ઝિલરી પાવર યુનિટમાં પ્લેન ગેટ પર પાર્ક થયા પછી તરત જ આગ લાગી હતી.

21 જુલાઈ: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કોલકાતા જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક-ઓફ કરતા પહેલા જ રદ કરવી પડી હતી કારણ કે રન-વે પર 155 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવાની તૈયારી કરતી વખતે ખામી સર્જાઈ હતી.

21 જુલાઈ: મુંબઈ એરપોર્ટ પર કોચીથી મુંબઈ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2744 ભારે વરસાદમાં રનવે પરથી લપસી ગઈ હતી. જોકે, પાયલટે કુશળતાપૂર્વક વિમાનને કાબુમાં લીધું અને સુરક્ષિત રીતે ગેટ પર લઈ ગયા.

19 જુલાઈ: થાઈલેન્ડ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે ટેક-ઓફના થોડા સમય પછી જ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પરત ફરી હતી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!