હોસ્પિટલો દર્દીઓને ATM સમજી રહી છે: અલ્હાબાદ હાઈકોર્ટ લાલઘૂમ

પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા દર્દીઓના શોષણ પર કોર્ટની આકરી ટિપ્પણી, આ ચુકાદો પ્રાઇવેટ હેલ્થકેર સિસ્ટમમાં જવાબદારી અને પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

અલ્હાબાદ, શુક્રવાર
પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા દર્દીઓને ATM ની જેમ વાપરવામાં આવતી હોવા અંગે અલ્હાબાદ હાઈકોર્ટે આક્રોશ વ્યક્ત કર્યો છે. ગુરુવારે એક બેદરકારીના કેસની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે ડોક્ટર સામે ફોજદારી કેસ રદ કરવાની માગને ફગાવતા આ ચોંકાવનારી ટિપ્પણી કરી હતી.

જસ્ટિસ પ્રશાંત કુમારની બેન્ચે એક કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે, ડો. અશોક કુમારે તેમની પાસે એનેસ્થેટીસ્ટ ન હોવા છતાં એક ગર્ભવતી મહિલાને સર્જરી માટે એડમિટ કરી હતી. એનેસ્થેટીસ્ટ મોડા પહોંચતા ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટના પર હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

હાઈકોર્ટની આકરી ફટકાર
કોર્ટે ટિપ્પણી કરી કે, હવે એ સામાન્ય બની ગયું છે કે હોસ્પિટલો પહેલા દર્દીઓને એડમિટ કરે છે અને પછી સંબંધિત ડોક્ટરને તે સર્જરી માટે બોલાવે છે. ઘણી હોસ્પિટલો ડોક્ટર હાજર ન હોવા છતાં દર્દીઓને એડમિટ કરી બિલ વસૂલ્યા કરે છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રાઇવેટ હોસ્પિટલો દર્દીઓનો ઉપયોગ ATM ની જેમ કરી રહી છે, જેમાંથી પૈસા કમાવી રહી છે.

અપૂરતી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલો સામે કાર્યવાહીની માગ
હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, એવા લોકો સામે કાર્યવાહી જરૂરી છે જે પર્યાપ્ત ફેસિલિટીઝ વિના હોસ્પિટલ શરૂ કરે છે. આવા લોકો માત્ર દર્દીઓ પાસેથી પોતાની મનમાની ચલાવી પૈસા કમાવવા જ હોસ્પિટલો ખોલે છે.

સુનાવણી દરમિયાન, કોર્ટે ડોક્ટરના દાવાને ફગાવી દીધો કે મહિલાનો પરિવાર તે સમયે ઓપરેશન માટે તૈયાર નહોતો. બેન્ચે કહ્યું કે આ સંપૂર્ણપણે નેગ્લિજન્સ અને ગેરકાયદેસર કમાણીનો કેસ છે. ડોક્ટરે મહિલાને એડમિટ કરી હતી અને પરિવારે ઓપરેશન કરવાની પરવાનગી આપી હતી, પરંતુ સર્જરી માટે ડોક્ટર ઉપલબ્ધ ન હોવાથી તેમાં વિલંબ થયો હતો.

ડોક્ટરના હિતોનું રક્ષણ ક્યારે?
બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે ડોક્ટરે બપોરે 12 વાગ્યે ઓપરેશન માટે પરવાનગી લીધી હતી, પરંતુ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર ન હોવાથી સર્જરી થઈ શકી નહીં. કોર્ટે જણાવ્યું કે, ડોક્ટરના હિતોનું રક્ષણ ત્યારે જ કરવું જોઈએ જ્યારે તે પૂરા દિલથી કામ કરી રહ્યો હોય. તેમ છતાં, જો કોઈ ભૂલ હોય, તો તેને માનવીય પરિબળ ગણીને અવગણી શકાય છે. પરંતુ આવા નેગ્લિજન્સ ના કિસ્સાઓમાં આ વાત સ્વીકાર્ય નથી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!