એર ઇન્ડિયા AI 171 ફ્લાઇટ નંબર કરશે બંધ, કાળમુખો અકસ્માત બાદ મોટો નિર્ણય, અમદાવાદ-લંડન રૂટ પર નવો ફ્લાઇટ નંબર

આ પહેલા પણ 2020માં એર ઇન્ડિયા એક્સપ્રેસે કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનના ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું, જેમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હતા.

અમદાવાદ, રવિવાર : ગુરુવારે અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ના જીવલેણ અકસ્માત બાદ કંપની દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના કરુણ મોત થયા હતા. આ ઘટના બાદ એર ઇન્ડિયાએ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર ‘171’નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

AI 171 ને બદલે AI 159 નંબરની ફ્લાઇટ
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, જીવલેણ ફ્લાઇટ અકસ્માતો પછી એરલાઇન્સ માટે ચોક્કસ ફ્લાઇટ નંબરનો ઉપયોગ બંધ કરવો એ એક સામાન્ય પ્રથા છે. આ નિર્ણય દિવંગત આત્માઓ માટે સન્માનનું પ્રતિક માનવામાં આવે છે. 17 જૂનથી અમદાવાદ-લંડન ગેટવિક રૂટ પર AI 171 ફ્લાઇટ નંબરને બદલે AI 159નો ઉપયોગ કરવામાં આવશે. શુક્રવારે જ બુકિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફાર કરી દેવામાં આવ્યા છે.

અગાઉ પણ આવા નિર્ણય લેવાયા
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 2020માં એર ઇન્ડિયા એક્સપ્રેસે કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનના ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું, જેમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હતા.

બોઇંગ 787 ડ્રીમલાઇનર્સની સેફ્ટી તપાસ
દરમિયાન એર ઇન્ડિયાએ શનિવારે જણાવ્યું હતું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના નિર્દેશ મુજબ, તેણે તેના 9 બોઇંગ 787 ડ્રીમલાઇનર્સની એક વખત સેફ્ટી તપાસ પૂર્ણ કરી લીધી છે. એરલાઇને એમ પણ કહ્યું હતું કે તે આવા બાકીના 24 વિમાનોની તપાસ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. એર ઇન્ડિયા પાસે કુલ 33 બોઇંગ 787-8/9 એરક્રાફ્ટ છે. DGCA એ શુક્રવારે વિમાનના કાફલાનું સેફ્ટી ઓડિટ વધારવાનો આદેશ આપ્યો છે.

દુર્ઘટનામાં મૃત્યુઆંક 275 પર પહોંચ્યો
આ ભયાનક વિમાન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 275 પર પહોંચી ગઈ છે. આ દુર્ઘટનામાં વિશ્વાસકુમાર રમેશ એકમાત્ર જીવિત બચ્યા છે. ગુરુવારે અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટ AI 171 અમદાવાદ એરપોર્ટ પાસે આવેલા મેઘાણી નગર વિસ્તારમાં ટેકઓફ પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકનો માહોલ સર્જ્યો છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!