ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (સપા)ના વડા અખિલેશ યાદવનું ફેસબુક પેજ શુક્રવારે સાંજે લગભગ ૬ વાગ્યાથી અચાનક બંધ થઈ ગયું છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (સપા)ના વડા અખિલેશ યાદવનું ફેસબુક પેજ શુક્રવારે સાંજે લગભગ ૬ વાગ્યાથી અચાનક બંધ થઈ ગયું છે. જોકે, આ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. લગભગ ૮૦ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતું આ પેજ બંધ થતાં રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે.
સપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી દ્વારા આ અંગે ફેસબુકને ઈ-મેલ પણ કરવામાં આવ્યો છે, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કોઈ ટેક્નિકલ ખામી હોઈ શકે છે. જોકે, અન્ય જાણકારોનું કહેવું છે કે કન્ટેન્ટને લઈને કોઈ રાજકીય વિરોધી દ્વારા ફેસબુક પર ફરિયાદ કરવામાં આવી હોય, તો જ આ પ્રકારનું પગલું લેવામાં આવે છે. સપાના નેતાઓએ આ પગલાને લોકતંત્ર પર હુમલો અને લોકશાહી અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે, અને તાત્કાલિક પેજ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. આ ઘટના અંગે સપા તરફથી કોઈ અધિકૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.











