અંબાલાલ પટેલની મોટી આગાહી: 26થી 29 જુલાઈ દરમિયાન અનરાધાર વરસાદની શક્યતા!

સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને ચોટીલાના થાનમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.

અમદાવાદ, મંગળવાર
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેર વરસાવવા તૈયાર છે. હાલમાં ત્રણ સક્રિય વરસાદી સિસ્ટમ્સને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. આ ઉપરાંત, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને જુલાઈના અંતમાં અણધાર્યો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

કયા વિસ્તારોમાં કેટલો વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે સુરેન્દ્રનગર અને મોરબી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય, આણંદ, ખેડા, મહીસાગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, અમદાવાદ અને ગાંધીનગર માં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, આજથી બે દિવસ ગુજરાતના રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ની સંભાવના છે.

19 જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેને કારણે થતો વરસાદ કૃષિ માટે અત્યંત સારો ગણાય છે. 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ લાવશે. આ ઉપરાંત, કચ્છ અને દક્ષિણ ગુજરાત માં પણ વરસાદ થવાની સંભાવના છે. સૌથી મહત્વની આગાહી મુજબ, 26 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે, જે રાજ્યના ઘણા વિસ્તારોને કવર કરી શકે છે.

1લી ઓગસ્ટથી નવા વાદળો બનવાની શરૂઆત થશે. ત્યારબાદ, 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે. આ ઉપરાંત, સાબરમતી અને મહિસાગર નદીઓમાં પણ પાણીનું સ્તર વધવાની શક્યતા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!