આરોગ્ય વિભાગની તપાસમાં કુલ 163 એકમોમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા, જેના પગલે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ 163 એકમો પાસેથી કુલ 5.50 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

અમદાવાદ, બુધવાર
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ રોગચાળાનો ભય વધે છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરભરમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત કુલ 280 યુનિટ્સની તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
આરોગ્ય વિભાગની તપાસમાં કુલ 163 એકમોમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા, જેના પગલે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ 163 એકમો પાસેથી કુલ 5.50 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
સેલ્બી હોસ્પિટલને દંડ: નિકોલ વિસ્તારમાં આવેલી સેલ્બી હોસ્પિટલને મચ્છર બ્રીડિંગ મળી આવતા નોટિસ ફટકારવામાં આવી છે અને 20,000નો દંડ કરવામાં આવ્યો છે. બાંધકામ સાઈટ સીલ: વટવા વિસ્તારમાં આવેલી મંથન લેગાસી બાંધકામ સાઈટને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, સરદારનગરની વેદાંત સ્કૂલની બાંધકામ સાઈટને પણ નોટિસ આપી 20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. રેલવે ઓફિસને દંડ: વિઠલાપુર રેલવે ઓવરબ્રિજની ઓફિસને પણ નોટિસ આપી 5,000નો દંડ કરાયો છે.
3 યુનિટ સીલ: કુલ 3 યુનિટને મચ્છર બ્રીડિંગના ગંભીર કેસોને કારણે સીલ કરવામાં આવ્યા છે.
AMCના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસા દરમિયાન પાણી ભરાવાને કારણે મચ્છરજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે. શહેરીજનોને પણ પોતાના ઘરો અને આસપાસના વિસ્તારોમાં પાણી જમા ન થાય તેની કાળજી લેવા અપીલ કરવામાં આવી છે.











