આંગડિયા ચોરીનો પર્દાફાશ: નરોડા પોલીસે 24 લાખથી વધુ રકમ સાથે ત્રણ આરોપીઓને દબોચ્યા

પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કબૂલ્યું કે આ રકમ તેમણે 17 જૂન, 2025 ના રોજ રાત્રિના સમયે બરેલીથી દિલ્હી જતી બસમાં બેઠેલા એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ચોરી કરી હતી.

અમદાવાદ, શુક્રવાર
આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન નરોડા પોલીસે ઉત્તર પ્રદેશના બરેલીથી દિલ્હી જઈ રહેલા એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલી બેગની ચોરી કરનારી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડી, તેમની પાસેથી કુલ 24,01,000/- ની ચોરી કરેલી રકમ અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

પોલીસની સજાગતાથી મોટી સફળતા
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-2 દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે શહેરમાં સઘન વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગના આદેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાઓના આધારે, ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન-4ના માર્ગદર્શન હેઠળ, શહેરના બોર્ડર વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશનો પર નાકાબંધી ગોઠવી અસરકારક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

નરોડા પોલીસની કાર્યવાહી
એડિશનલ પોલીસ કમિશનર G ડિવિઝનની રાહબરી હેઠળ, નરોડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. ગોહિલ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. કોટડિયાના સીધા માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વી.આર. ચૌધરી અને એચ.ડી. વાઘેલાની ટીમો નાના ચિલોડા તરફથી અમદાવાદ શહેરમાં પ્રવેશતા બ્રિજ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી.

આ દરમિયાન, ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ ખભા પર બેગ લટકાવીને પસાર થતા જોવા મળ્યા. પોલીસે તેમને રોક્યા અને તેમની બેગની તલાશી લેતા, તેમાંથી 500 અને 200 ના દરની નોટોના બંડલ મળી આવ્યા. બે પંચોની હાજરીમાં તેમની અંગઝડતી કરતા, તેમની પાસેથી કુલ 24,01,000/- રોકડા અને 17,000/- ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા, આમ કુલ 24,18,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

ચોરીનો ભાંડો ફૂટ્યો
પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કબૂલ્યું કે આ રકમ તેમણે 17 જૂન, 2025 ના રોજ રાત્રિના સમયે બરેલીથી દિલ્હી જતી બસમાં બેઠેલા એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ચોરી કરી હતી. તેમણે જણાવ્યું કે, આંગડિયા કર્મચારીની અગાઉથી રેકી કરીને, પૂર્વ આયોજિત કાવતરું રચીને રૂપિયા ભરેલી બેગની ચોરી કરવામાં આવી હતી. આ ચોરી કરેલા રૂપિયાના ભાગ પાડવા માટે તેઓ ઓઢવ ખાતે એકઠા થયા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ ચોરી અંગે ઉત્તર પ્રદેશના લિંક રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલો છે. નરોડા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે ઉત્તર પ્રદેશ પોલીસને જાણ કરવાની તજવીજ શરૂ કરી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વી.આર. ચૌધરી અને એચ.ડી. વાઘેલા સહિત અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!