સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે, સરકાર દબાણ હટાવવાની કામગીરી કરે તે પહેલાં આ ગરીબ પરિવારો માટે રહેઠાણની યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગરના છાપરા, સેક્ટર, ચરેડી અને પેથાપુર વિસ્તારમાં વર્ષોથી રહેતા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. સ્થાનિક લોકોની માગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તેમના 30 વર્ષ જૂના રહેઠાણો અને ઝૂંપડાઓ તોડવામાં ન આવે.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પોતાની વ્યથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે આ પરિવારો છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી અહીં રહે છે અને જો અચાનક તેમના ઘર તોડી પાડવામાં આવશે તો તેઓ બેઘર થઈ જશે.

સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે, સરકાર દબાણ હટાવવાની કામગીરી કરે તે પહેલાં આ ગરીબ પરિવારો માટે રહેઠાણની યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે માંગ કરી હતી કે જ્યાં સુધી નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ દબાણો તોડવાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવે. આ રજૂઆતને કારણે હાલ તંત્ર પર આ મામલે નિર્ણય લેવાનું દબાણ વધ્યું છે.











