લદ્દાખના લેહ પાસે ભારતીય સેનાનું ‘ચિતા’ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં મેજર જનરલ સચિન મહેતા સહિત 3 અધિકારીઓનો ચમત્કારિક બચાવ થયો છે. કાટમાળ પાસે તેમની સેલ્ફી થઈ વાયરલ.

નવી દિલ્હી, શનિવાર
લદ્દાખમાંથી ભારતીય સેનાને લગતા એક મોટા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં લેહના દક્ષિણ-પૂર્વમાં આવેલા તાંગત્સે વિસ્તારમાં સેનાનું એક ‘ચિતા’ હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું છે. જોકે, સૌથી મોટી રાહતની વાત એ છે કે આ ભયાનક દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય ઉચ્ચ અધિકારીઓનો આબાદ બચાવ થયો છે અને તેમને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી છે.
મોતના મુખમાંથી પરત ફર્યા અને સેલ્ફી લીધી!
મળતી માહિતી મુજબ, આ સિંગલ-એન્જિનવાળા ચિતા હેલિકોપ્ટરને એક લેફ્ટનન્ટ કર્નલ અને એક મેજર રેન્કના અધિકારી ઉડાવી રહ્યા હતા. જ્યારે તેમાં પેસેન્જર તરીકે સેનાની 3જી ડિવિઝન (જેને ત્રિશૂલ ડિવિઝન કહેવાય છે) ના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ સચિન મહેતા સવાર હતા.
આ અકસ્માત બુધવારે થયો હતો, પરંતુ તેની સત્તાવાર માહિતી શનિવારે મીડિયામાં આવી છે. અકસ્માત બાદ મેજર જનરલ મહેતા અને અન્ય બે અધિકારીઓએ સંપૂર્ણપણે તૂટી ગયેલા હેલિકોપ્ટરના કાટમાળ પાસે પથ્થર પર બેસીને એક સેલ્ફી લીધી હતી. આ સેલ્ફી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો ઓફિસરોના આત્મવિશ્વાસના વખાણ કરી રહ્યા છે. સેનાએ આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’ (CoI) ના આદેશ આપી દીધા છે.
‘ચિતા’ હેલિકોપ્ટર: વર્ષ 1971 થી સેનાની કરોડરજ્જુ
આપણી સેનામાં ચિતા હેલિકોપ્ટરનું મહત્વ ઘણું મોટું છે. ચાલો જાણીએ તેની ખાસિયતો
વર્ષ 1971 માં ભારતીય સેનામાં સામેલ થયેલું આ હેલિકોપ્ટર હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં લશ્કરી ઓપરેશન માટે ખૂબ મહત્વનું છે.
તેનો ઉપયોગ ફ્લાઈંગ જીપ, જાસુસી મિશન (રિકોનિસન્સ), આર્ટિલરી સ્પોટર અને એર એમ્બ્યુલન્સ તરીકે થાય છે.
તેની ડીઝાઈનની લિમિટ માત્ર 18000 ફૂટ સુધી ઉડવાની છે, તેમ છતાં સિયાચીન ગ્લેશિયર જેવા વિસ્તારોમાં તે 19600 થી 21000 ફૂટની ઊંચાઈએ ઉડીને સૈનિકો માટે ‘લાઈફલાઈન’ સાબિત થયું છે.
જૂના હેલિકોપ્ટરની જગ્યા લેશે નવું ‘LUH’
આ અકસ્માતે ફરી એકવાર સેનાના જૂના થઈ ગયેલા ચિતા અને ચેતક હેલિકોપ્ટરના જોખમો વિશે સવાલો ઉભા કર્યા છે. સેના હવે આધુનિકીકરણના ભાગરૂપે આગામી દાયકામાં આ જૂના કાફલાને ધીમે ધીમે હટાવવાની તૈયારી કરી રહી છે.
હવે ચિતાની જગ્યા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) નું અત્યાધુનિક ‘લાઈટ યુટિલિટી હેલિકોપ્ટર’ (LUH) લેશે. આ નવું હેલિકોપ્ટર પાવરફુલ શક્તિ-1યુ ટર્બોશાફ્ટ એન્જિન ધરાવે છે. તે 21300 ફૂટની ઉંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. આ ઉપરાંત તેમાં નાઈટ-વિઝનની સુવિધા છે અને તે એકસાથે 6 સૈનિકોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે.











