સાવધાન! મેટ્રોમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધતી યુવતી સાથે દગો: ડાયવોર્સી કહી જાળમાં ફસાવી, હોટલમાં આચર્યું દુષ્કર્મ

અમદાવાદમાં મેટ્રોમોનિયલ સાઇટ પર ડાયવોર્સી કહી યુવતીને ફસાવનાર સુરતના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ. પત્ની અને બાળકો હોવા છતાં લગ્નની લાલચ આપી આચર્યું પાપ.

અમદાવાદ, શનિવાર
મેટ્રોમોનિયલ સાઇટ્સ દ્વારા જીવનસાથીની શોધ કરતા લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાની જાતને છૂટાછેડા લીધેલ હોવાનું જણાવી એક ભેજાબાજ યુવકે બે બાળકોની માતા અને ડાયવોર્સી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. આ મામલે અમદાવાદના માધવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

મેટ્રોમોનિયલ સાઇટથી શરૂ થઈ પ્રેમજાળ
અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતી, જેના અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા હતા, તેણે પુનઃ લગ્ન કરવા માટે વર્ષ 2025 માં એક જાણીતી મેટ્રોમોનિયલ સાઇટ પર પોતાની પ્રોફાઇલ બનાવી હતી. આ દરમિયાન સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પ્રકાશ ડોંડા નામના યુવકે તેનો સંપર્ક કર્યો હતો. પ્રકાશે પોતે પણ ડાયવોર્સી હોવાનું અને વર્ષ 2022 માં તેના છૂટાછેડા થઈ ગયા હોવાનું જૂઠું બોલીને યુવતીનો વિશ્વાસ કેળવ્યો હતો. ધીમે ધીમે બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત અને મુલાકાતો શરૂ થઈ હતી.

મંદિરમાં લગ્નનો ઢોંગ કરી હોટલમાં સંબંધ બાંધ્યા
આરોપી પ્રકાશે યુવતીને લગ્નનો પૂરો વિશ્વાસ આપ્યો હતો. બંને વિસનગરના એક મંદિરમાં ગયા હતા, જ્યાં પ્રકાશે યુવતીની માંગમાં સિંદૂર ભરી તેને પત્ની તરીકે સ્વીકારી હોવાનો નાટક કર્યો હતો. આ વિશ્વાસના આધારે પ્રકાશે અમદાવાદના શાહીબાગ વિસ્તારની એક હોટલમાં યુવતીને લઈ જઈને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતીને અંધારામાં રાખીને તે સતત લગ્નની લાલચ આપતો રહ્યો હતો.

સુરત ઘરે પહોંચતા જ ફૂટ્યો ભાંડો
થોડા સમય બાદ જ્યારે પ્રકાશે અચાનક યુવતીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, ત્યારે યુવતીને શંકા ગઈ હતી. સત્ય જાણવા માટે યુવતી સીધી સુરત ખાતે પ્રકાશના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં પહોંચતા જ તેના હોશ ઉડી ગયા હતા, કારણ કે પ્રકાશ ત્યાં તેની અસલી પત્ની અને બે બાળકો સાથે સુખેથી સંસાર ચલાવી રહ્યો હતો. યુવતીને ઘરે આવેલી જોઈને પ્રકાશ ઘરમાં સંતાઈ ગયો હતો, જ્યારે પ્રકાશની પત્ની અને યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

માધવપુરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીથી વ્યથિત થઈને યુવતીએ અમદાવાદ પરત ફરી માધવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રકાશ ડોંડા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે લગ્નની ખોટી લાલચ આપીને દુષ્કર્મ આચરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!