ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો છે. હરિયાણાના જિન્દ ખાતે દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જાણો આ ઇકોફ્રેન્ડલી ટ્રેનની ખાસિયતો.

નવી દિલ્હી, બુધવાર
ભારતીય રેલવેએ એક નવો ઇતિહાસ રચ્યો છે. પ્રદૂષણ મુક્ત મુસાફરીની દિશામાં એક મોટું કદમ ઉઠાવતા ભારતે પોતાની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ ટ્રાયલ હરિયાણાના જિન્દથી શરૂ કરવામાં આવી હતી. આ અદ્યતન ટ્રેન 8 ડબ્બા સાથે 70 થી 80 કિમી પ્રતિ કલાકની શાનદાર ઝડપે દોડી હતી.
જિન્દથી લલિત ખેરા વચ્ચે આશરે 20 કિમી સુધી આ ટ્રેનને દોડાવવામાં આવી હતી. આ પરીક્ષણ એક સપ્તાહ સુધી ચાલશે. ટ્રાયલ પૂરી થયા બાદ સામાન્ય નાગરિકો માટે તેને રેગ્યુલર ટ્રેનોની જેમ શરૂ કરી દેવાશે. સૌથી મોટી વાત એ છે કે આ ટ્રેનને સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવી છે અને તેમાં આગળ તેમજ પાછળ એમ બે એન્જિન લગાવવામાં આવ્યા છે.
શા માટે હાઇડ્રોજન ટ્રેન શ્રેષ્ઠ છે?
હાલમાં ચાલતી ડીઝલ ટ્રેનોથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે અને પ્રદૂષણ વધે છે. બીજી તરફ ઇલેક્ટ્રિક ટ્રેનો પ્રદૂષણ નથી કરતી પણ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરહેડ લાઈનો પાછળ જંગી ખર્ચ થાય છે. તેની સામે હાઇડ્રોજન ટ્રેન મોંઘા ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક વિના આસાનીથી દોડી શકે છે. અવાજની દ્રષ્ટિએ પણ આ ટ્રેન ખૂબ શાંત છે.
હાઇડ્રોજન ટ્રેન કેવી રીતે કામ કરે છે?
આ ટ્રેનમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો ઉપયોગ થાય છે. આ સેલમાં બે ભાગ વચ્ચે કેમિકલ રિએક્શન થાય છે. ફ્યુઅલ સેલમાં હાઇડ્રોજન અને ઓક્સિજન મળીને ઇલેક્ટ્રિકલ એનર્જી પેદા કરે છે.
આ પ્રક્રિયામાં બાયપ્રોડક્ટ તરીકે માત્ર પાણીની વરાળ અને ગરમી જ બહાર આવે છે. તેથી આ ટ્રેન સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી છે. રિન્યુએબલ સોર્સથી મળતા ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ થતો હોવાથી તે પર્યાવરણ માટે એકદમ સુરક્ષિત છે અને લાંબા સમય સુધી સસ્ટેનેબલ વિકલ્પ પૂરો પાડે છે.
ખર્ચ અને ભવિષ્યની યોજના
એક હાઇડ્રોજન ટ્રેન બનાવવા પાછળ અંદાજે 80 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
રૂટ પર જરૂરી ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આશરે 60 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
પાયલટ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ ટ્રેન જિન્દથી સોનીપત વચ્ચે દોડશે.
આ 90 કિમીનું અંતર સામાન્ય ટ્રેનમાં કાપતા 2 કલાક લાગે છે, જ્યારે આ ટ્રેનથી સમયની મોટી બચત થશે.
હરિયાણાના જિન્દમાં હાઇડ્રોજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિસ્તાર ભવિષ્યમાં હાઇડ્રોજન ટ્રેનો માટે દેશનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. ઓછો ખર્ચ અને વધુ સ્પીડના કારણે સામાન્ય મુસાફરો પર ભાડાનો કોઈ મોટો બોજ નહીં આવે.











