આ મુદ્દે હવે BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટ જવાબ આપતા ચર્ચાઓ પર પુરો વિરામ મૂક્યો

મુંબઈ, બુધવાર : ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ – રોહિત શર્મા અને વિરાટ કોહલી તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈ સૌને આશ્ચર્યચકિત કર્યા. ઇંગ્લેન્ડ સામેની મહત્ત્વની હોમ ટેસ્ટ સિરીઝ પહેલા જ તેમની નિવૃત્તિની જાહેરાત થતાં ચાહકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા કે શું તેઓને બળજબરીથી નિવૃત્તિ લેવા માટે દબાણ કરાયું હતું? આ મુદ્દે હવે BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટ જવાબ આપતા ચર્ચાઓ પર પુરો વિરામ મૂક્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા એક મોટો નિર્ણય લીધો અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ત્યારબાદ સવાલો ઉભા થઈ રહ્યા હતા કે વિરાટ અને રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી આટલી જલ્દી નિવૃત્તિ લેવાની ઉતાવળ શું હતી? 2007 થી ભારત ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે, પરંતુ તે હજુ સુધી પૂર્ણ થયું નથી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આ ટેસ્ટ સિરીઝમાં જોડાશે અને ટીમને જીત અપાવશે, પરંતુ તે પહેલા બંનેએ નિવૃત્તિની જાહેરાત કરી. આ અંગે BCCI પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા કે શું તેમને નિવૃત્તિ લેવાની ફરજ પાડવામાં આવી હતી? આ અંગે BCCIના વરિષ્ઠ રાજીવ શુક્લાએ ખુલીને વાત કરી અને જણાવ્યું કે આ પાછળનું કારણ શું હતું. બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, બીસીસીઆઈએ બંને ખેલાડીઓ પર કોઈ પ્રકારનું દબાણ કર્યું નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પોતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. અગાઉ, T20 વર્લ્ડ કપ પછી, બંનેએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર સ્ટોરી પોસ્ટ કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમજ વિરાટ કોહલીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને પોતાની નિવૃત્તિ વિશે પણ માહિતી આપી. 1 વર્ષની અંદર, ભારતીય ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ, વિરાટ કોહલી અને રોહિત શર્માએ બે મુખ્ય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. જોકે, બંને હજુ પણ ભારત માટે ODIમાં રમતા જોવા મળશે. રોહિત શર્માએ ભારત માટે 67 ટેસ્ટ મેચમાં 4301 રન, 273 ODI માં 11,168 રન અને 159 T20 ઇન્ટરનેશનલ મેચમાં 4231 રન બનાવ્યા છે. તેમજ વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે 123 ટેસ્ટ મેચમાં 9230 રન, 302 ODI માં 14,181 રન અને 125 T20 ઇન્ટરનેશનલ મેચમાં 4188 રન બનાવ્યા છે.











