ભરૂચના સાયખા GIDCમાં ફાર્મા કંપનીનું રિએક્ટર ફાટ્યું, 5 કામદારોનાં મોત, 5 ગંભીર ઘાયલ

ભરૂચની સાયખા GIDCમાં ફાર્મા કંપનીનું રિએક્ટર ફાટતાં 5 કામદારોનાં મોત અને 5 ગંભીર ઘાયલ; તપાસ ચાલુ.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત સિન્ઝીલ ફાર્મા (Synzeal Pharma) કંપનીના પ્લાન્ટમાં અચાનક રિએક્ટર ફાટતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન થયેલા વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને કામદારોમાં દોડધામ થઈ.

5 કામદારોનાં મોત
પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં 5 કામદારોનાં મોત થયા છે અને 5 અન્ય કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવની જાણ થતાં બચાવ કામગીરી હાથ ધરાઈ અને તમામ ઘાયલોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા.

પ્રાથમિક અહેવાલ મુજબ મૃતકોનાં નામ
જયદીપ પટેલ, અર્જુન કુમાર, અનિકેત કુમાર, વૃંદ તલાવિયા અને ભાવિક વસાવા.

ઇજાગ્રસ્તોનાં નામ
પ્રિયાંશુ કુમાર, મોસમ કુમાર, પવન કુમાર, શિવ દયાલ અને પ્રતીક પ્રજાપતિ.

વિસ્ફોટનું કારણ અસ્પષ્ટ, તપાસ શરૂ
રિએક્ટરમાં કઈ પ્રક્રિયા ચાલી રહી હતી અને બ્લાસ્ટ કયા સમયે થયો તેની વિગતો મેળવાઈ રહી છે. પ્રાથમિક રીતે રાસાયણિક પ્રક્રિયામાં ગડબડ, ટેકનિકલ ખામી કે દબાણમાં ફેરફાર જેવાં કારણો મનાય છે, પરંતુ ચોક્કસ કારણ નિષ્ણાતોની તપાસ બાદ જ સામે આવશે. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને ઔદ્યોગિક સલામતી વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

ઔદ્યોગિક સુરક્ષા પર ફરી સવાલ
ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચના સાયખા GIDC વિસ્તારની આ ઘટનાએ કેમિકલ અને ફાર્મા એકમોમાં કામદારોની સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. સુરક્ષા સાધનોની સ્થિતિ, રિએક્ટરની નિયમિત જાળવણી અને સુરક્ષા નિયમોનું પાલન થતું હતું કે નહીં તેની તપાસ પણ થશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!