ભાવનગર લઠ્ઠાકાંડ: મુખ્ય સપ્લાયર સહિત 21 બુટલેગરો સામે ગુનો અને 4 પોલીસકર્મી સસ્પેન્ડ

ભાવનગરમાં નકલી દારૂ પીવાથી ૫ લોકોના મોત અને ૧૬ ઘાયલ થયાની ઘટનામાં મુખ્ય સપ્લાયર સહિત ૨૧ બુટલેગરો સામે ગુનો નોંધાયો છે અને બેદરકારી બદલ ૪ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવાના દાવાઓ વચ્ચે ભાવનગર જિલ્લામાં નકલી દારૂ પીવાથી સર્જાયેલી ગંભીર દુર્ઘટના સામે આવી છે. ભાવનગરમાં નકલી દારૂ પીવાથી ૫ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૧૬ જેટલા લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે વરતેજ પોલીસ અને જિલ્લા પોલીસ વડા દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે.

મુખ્ય સપ્લાયર સામે ગુનો અને પોલીસની લાલ આંખ

  • ૨૧ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો: તપાસ દરમિયાન બનાવટી ‘રોયલ સ્ટેગ’ દારૂની બોટલો સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકીનું નામ સામે આવ્યું છે. વરતેજ પોલીસ મથકના પીઆઈ દ્વારા ગૌતમ સોલંકી સહિત કુલ ૨૧ બુટલેગરો સામે સત્તાવાર ગુનો નોંધીને અત્યાર સુધીમાં ૧૨ જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.

  • ૪ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ: ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા અને પોતાના વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. વરતેજ પોલીસ સ્ટેશનના ૪ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે, જેમાં ૧ બીટ જમાદાર અને ૩ ડી-સ્ટાફના જવાનો સામેલ છે.

  • ધડપકડ અને તપાસનો દોર: રેન્જ આઈજી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રકરણમાં સંડોવાયેલા કોઈપણ શખ્સને છોડવામાં નહીં આવે. બીજી તરફ, ધોલેરામાં સપ્લાય થયેલી દારૂની બે પેટીઓ જપ્ત કરવા સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ એક જ રાતમાં દારૂના ૧૭૭ કેસ નોંધીને સઘન તપાસ શરૂ કરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!